તેઓ કોઈને ડૂબવા નહિ દે, ઉંમર ૬૦ પાર છતાં આજે પણ ઈરાદા છે અપાર, કેટલાય લોકોના જીવ બચાવી તેઓ બન્યા છે જીવન દાતા, એક બૂમ અને ૧૦ મિનિટમાં નદી તરતા આ વય વૃધ્ધ તત્ય રક્ષકની છે અનોખી કહાની, સામાન્ય રીતે ગુજરાતની વિવિધ નદીઓમાં ડૂબી જવાના અથવા તો સ્યુસાઇડ કરી મોતને વ્હાલું કરવાનાં અનેક બનાવો સામે આવતા હોય છે, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામતા હોય છે તો કેટલાક બનાવોમાં નદી કાંઠે ઉપસ્થિત રહેતા લોકો ડૂબતા વ્યક્તિનું જીવ બચાવી તેને નવજીવન પ્રદાન કરતા હોય છે, ભરૂચમાં પણ એવા જ એક અનોખા સેવા ભાવિ વ્યક્તિ છે જેઓ સતત નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ફરી અનેક લોકોના જીવ બચાવી આજે ભગવાન સમાન સાબિત થયા છે તો કેટલાય લોકોની લાશો નદી વચ્ચેથી બહાર કાઢી તંત્ર માટે અનોખી સેવા આપી રહ્યા છે.
નર્મદા નદી જેના દર્શન માત્રથી માનવીના પાપ ધોવાઈ જતા હોવાની માન્યતા છે, આજે ભરૂચની ઓળખ માં નર્મદાથી થાય છે, અહીંયા આવેલા ગોલ્ડન અને સિલ્વર બ્રિજ આજે પણ અડીખમ જોવા મળે છે પરંતુ આ વચ્ચે ૧૯૮૫ ની સાલથી એક તત્ય રક્ષક અહીંયા નિશવાર્થ ભાવે ફરજ બજાવે છે, જેઓનું નામ છે અમૃતભાઈ કહાર, અમૃતભાઈનો વ્યવસાય જ સેવા હોય તેમ તેઓની કામગીરી નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં અત્યાર સુધી બોલી રહી છે, તેઓએ અત્યાર સુધી ૨૫ થી વધુ લોકોને ડૂબતા બચાવ્યા છે, તો ૨૦૦ થી વધુ મૃતદેહને નર્મદા નદીની વચ્ચેથી બાહર કાઢી તંત્રને મદદરૂપ થયા છે, એટલું જ નહીં નર્મદામાં પુર અથવા ભરૂચની બહાર સુરત જેવા શહેરમાં પણ તંત્રની સાથે ખભેથી ખભો મિલાવી અમૃતભાઈ એ પોતાની સેવા આપી છે.
અમૃતભાઈ માત્ર ૧૦ મિનિટમાં આખી નદી તરી શકે છે, જો કોઈ આત્મહત્યા કરવા આવ્યું હોય અથવા તો કોઈ વ્યક્તિ ડૂબી રહ્યો હોય અને નદીમાંથી નાવડાવાળા અમૃતભાઈને બૂમ પાડે તો અમૃતભાઈ તરત જ નદીમાં છલાંગ લગાવી ડૂબતા વ્યક્તિ સુધી પહોંચી જઈ તેનો જીવ બચાવે છે, અમૃત ભાઈએ ભૂતકાળમાં ૪ પોલીસ કર્મી એક ફાયર કર્મી સહિત અનેક લોકોના જીવ બચાવી ચુક્યા છે, સાથે જ કાંઠે ન્હાવા આવતા યુવાનો અને અસ્થિ વિસર્જન કરવા આવતા લોકોને પણ અમૃતભાઈ કાંઠે પાણીની માત્રા કેટલી છે અને કંઈ દિશા તરફ ન જવું જોઈએ તેવી સમજ આપતા હોય છે. આમ જાણે કે પોતાની આ સેવાને જ વ્યવસાય બનાવી લીધો હોય તેમ આજે પણ લોકો વચ્ચે તેઓની અનોખી સેવાથી જાણીતા છે, અને લોકો પણ આજે તેઓની સેવાને સલામ કરી રહ્યા છે.
અમૃત ભાઈ આજે પણ તેઓની વય વૃધ્ધ ઉંમરમાં પણ પહેલાની જેમ જ પોતાની સેવા આપી રહ્યા છે, અને જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી તેઓ આજ રીતે સેવા આપશે તેમ જણાવી રહ્યા છે, ત્યારે આપણે સૌએ પણ આવા તત્ય રક્ષકોને સલામ કરવાની તાતી જરૂર છે.
હારૂન પટેલ : ભરૂચ