ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ગામેથી ભરુચ જિલ્લા એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લીધી હતી.
મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના જેસપોર ગામે અનિતાબેન રમેશભાઇ વસાવા નામની મહિલા તેમના ઘરે દારુનું વેચાણ કરે છે. એલસીબી ની ટીમે જેસપોર ગામે બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા આ મહિલા સ્થળ ઉપર હાજર મળી આવેલ, પોલીસે તપાસ કરતા સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો મળી આવી હતી. આ રેઇડ દરમિયાન એલસીબી ભરુચે ભારતીય બનાવટના વિદેશી દારુની રુ. ૮૪૦૦ ની કિંમતની નાનીમોટી કુલ ૫૭ બોટલો કબજે લીધી હતી. દારુના મુદ્દામાલ સાથે ઝડપાયેલ મહિલાએ પોલીસને જણાવ્યું હતુકે નેત્રંગ તાલુકાના ઝોકલા ગામના સુરેશભાઈ રામુભાઇ વસાવા પાસેથી આ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો મેળવ્યો હતો. જેસપોર ગામેથી મળી આવેલ વિદેશી દારુ સંદર્ભે એલસીબી ભરુચે અનિતાબેન રમેશભાઈ વસાવા રહે.જેસપોર તા.ઝઘડીયા અને સુરેશભાઈ રામુભાઇ વસાવા રહે.ઝોકલા તા.નેત્રંગ જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ભરુચ જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારુ ઝડપાતા તાલુકામાં દારુના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ