શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ ખાતું ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરનું રૂ.૩૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત નવા મલ્ટીસ્ટોરી(હાઈ રાઈઝર્ડ) બિલ્ડીંગનું શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજા અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ મંત્રી બ્રિજેશ મેરજાએ રીબીન કાપીને તથા તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત બિલ્ડીંગને ખુલ્લી મુકી હતી.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરના નવનિર્મિત બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લામાં સારી કામગીરી કરેલ વિવિધ ઔદ્યોગિક એકમોના મહાનુભાવોને મંત્રી તથા નાયબ મુખ્યદંડક તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ લાભાર્થીઓને રોજગાર/એપ્રેન્ટીસ કરારપત્રોનું પણ વિતરણ કરાયું હતું.
લોકાર્પણ કાર્યક્રમ બાદ અધ્યક્ષસ્થાનેથી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આઈ.ટી.આઈ. થકી તાલીમાર્થીઓએ રોજગારીના નવા આયામો સર કર્યા છે. જિલ્લાની સૌથી સારી સુવિધાવાળું નવું બિલ્ડીંગ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે નવનિર્મિત મલ્ટીસ્ટોરી(હાઈ રાઈઝર્ડ) બિલ્ડીંગની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૌશલ્યવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. યુવાનોને નવી નવી તાલીમ આપી રોજગારલક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કૌશલ્ય વિકાસ ધ્વારા તાલીમાર્થીઓ રોજગાર મેળવી આત્મનિર્ભર ગુજરાતની નવી કેડી કંડારશે તેમ જણાવ્યું હતું.
નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ ઔદ્યોગિક એકમો ધરાવતો જિલ્લો છે. ભરૂચના ઔદ્યોગિક એકમો દ્વારા બનતી વસ્તુઓની વિસ્તૃત છણાવટ કરતાં જણાવ્યું હતું કે, અંકલેશ્વર આઈ.ટી.આઈ. અદ્યતન સુવિધા સાથે નવા નવા ટ્રેડો શરૂ થયા છે. તાલીમાર્થીઓનો ઈન્ડસ્ટ્રીઝમાં રોલ મહત્વનો છે ત્યારે કારકિર્દી ઘડતરમાં તાલીમાર્થીઓએ પુરતુ ધ્યાન આપી તૈયાર થવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ તેઓએ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ૧૯૬૩ માં શરૂ થયેલી અંકલેશ્વર આઈ.ટી.આઈ.માં તાલીમ મેળવી અનેક લોકો સ્વરોજગાર મેળી રહ્યા છે જેનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અંકલેશ્વરની આઈ.ટી.આઈ. ખાતે ઘર આંગણે મળેલી અદ્યતન સુવિધા થકી સારૂ શિક્ષણ મેળવવા અને કૌશલ્ય વિકાસ કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રારંભે આઈ.ટી.આઈ. અંકલેશ્વરના આચાર્ય બી.ડી.રાવળે સ્વાગત પ્રવચન કરતાં અંકલેશ્વર આઈ.ટી.આઈ.ની રૂપરેખા વર્ણવી હતી. અંતમાં આભારવિધિ નાયબ નિયામક એમ.સી.વસાવાએ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે અંકલેશ્વર આઈ.ટી.આઈ. સ્ટાફ તથા તાલીમાર્થી બહેનો દ્વારા “મનુષ્ય તુ બડા મહાન હે” સ્વાગત ગીત રજૂ થયું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું.
લોકાર્પણ પ્રસંગે આઈ.ટી.આઈ. અંકલેશ્વરના પટાંગણમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ અનિલભાઈ પટેલ, ગેમલસિંહ પટેલ, લઘુઉદ્યોગ ભારતીના પ્રમુખ બળદેવભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, એ.આઈ.એ.ના પ્રમુખ રમેશભાઈ ગાબાણી, પ્રાંત અધિકારી નૈતિકાબેન પટેલ, આગેવાન પદાધિકારીઓ, જિલ્લાના વિવિધ આઈ.ટી.આઈ.ના આચાર્યો, શિક્ષકો, વિવિધ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ, તાલીમાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.