ભાડાનું ઘર હોય એટલે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે. દર અગિયાર મહિને નવેસરથી કરાર કરવો પડે. ભાડું વધે અને ત્રણેક વર્ષ એક જગ્યાએ થઈ જાય એટલે મકાન માલિક ઘર ખાલી કરાવે. નવી જગ્યાએ જવું પડે એટલે છોકરાઓનું શિક્ષણ ખોરવાય.
વડોદરાના રાધા રાજેશભાઈ કહારને સરકારી આવાસ યોજનામાં મકાન મળતાં ઉપર જણાવેલી મુશ્કેલીમાંથી છુટકારો થયો છે અને તેઓ હાશકારો અનુભવી રહ્યાં છે. શહેરી ગરીબ કલ્યાણ મેળાના મંચ પરથી તેમણે કહ્યું કે પોતાનું ઘર મળે ત્યારે જે ખુશી થાય એનું બયાન જ ના થઈ શકે. મારા પોતાના ઘરનું સપનું સાકાર કરવા માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગુજરાત સરકાર અને વડોદરા મહાનગર પાલિકાનો દિલથી આભાર માનું છું.
રાધાબેનના પરિવારમાં પતિ પત્ની અને બાળકો મળીને કુલ ૫ સદસ્યો. રાજેશભાઈનો પગાર ટુંકો, ભાડાનું મકાન અને છોકરાઓના ભણતરનો ખર્ચ.આ વિષમ સંજોગોમાં ઘર ખરીદવાનો વિચાર પણ ન આવે. ખાનગી સોસાયટીઓમાં મકાનનો ભાવ સાંભળી રહી સહી હિંમત પણ છું થઈ ગઈ. તેવામાં રાવપુરામાં વડોદરા મહાનગર પાલિકાની આવાસ યોજનાની કચેરીમાં જવાનું થયું. કર્મચારીઓએ ખૂબ સારી સમજણ આપી અને હિંમત બંધાવી એટલે ફોર્મ ભરી દીધું. ડ્રોમાં નામ નીકળ્યું એટલે ખુશીનો પાર ના રહ્યો. રૂ.સાડા પાંચ લાખની કિંમતનું ઘર અને તેમાં રૂ.૨.૨૫ લાખની સબસિડી. ઘરની સાથે પાર્કિગની સુવિધા અને આસપાસ બગીચો પણ ખરો જાણે કે સોનામાં સુગંધ ભળી. મન પરથી ઘરની ચિંતા જ હટી ગઈ. તેઓ કહે છે કે ઘર મળ્યું છે એટલે ભાડાના ઘરની હાલાકીના નિવારણની સાથે બાળકોના શિક્ષણની સારી કાળજી લઈ શકાશે. સરકારી આવાસ યોજનાએ રાધાબેનને ઘર તો આપ્યું અને તેની સાથે નિરાંત પણ આપી છે.