નેત્રંગ ટાઉનમાં ગ્રામ પંચાયતે વીજબીલ ન ભરતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નેત્રંગ ગ્રામ પંચાયતનું વિજમીટર કાપી નાખતા બીજીવાર ગ્રામ પંચાયતનો અણધડ વહીવટ સામે આવ્યો છે. છેલ્લા છ મહીનાથી વધારે સમય થયાં છતા ગ્રામ પંચાયતે વિજ બીલ ભર્યું ન હતું. જ્યાં અંદાજિત 2,76,000 ની માતબર રકમનું વિજબીલ બાકી હોવાથી છેલ્લું મીટર કપાયું હતું.
નેત્રંગ ટાઉનમાં વીજબીલ ન ભરાતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નેત્રંગ ગ્રામ પંચાયતનું વિજમીટર કાપી નાંખતા ટાઉનના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે સત્તાનું ભલે પરિવર્તન થયુ પણ સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. ગ્રામ પંચાયતમાં વેરો યોગ્ય સમયે ભરતો હોવા છતાં 18 કરોડનું બજેટ ધરાવતી ગ્રામ પંચાયત સામાન્ય વિજ બીલ ભરવામાં ઉણી ઉતરી છે. બીજી બાજુ ટાઉનમાં સ્ટ્રીટ લાઈટની જાણવણી પણ યોગ્ય રીતે નથી થતી. દિવસે પણ લાલ મન્ડોટી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતી જોવા મળે છે. આમ, નવી બોડી બેઠી પણ કામગીરી અને વહીવટી કુનેહના અભાવે ગ્રામ પંચાયતનું વિજ જોડાણ કયાયું હતું.