ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક અજાણ્યા વાહન ચાલકે એક મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના વંઠેવાડ ગામનો જયેશભાઇ રાજેશભાઇ વસાવા નામનો ૨૦ વર્ષીય યુવક ગોવાલી ગામે એક પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. જયેશ ગતરોજ તા.૨૪ મીના રોજ મોટરસાયકલ લઇને નોકરી પર જઇ રહ્યો હતો, ત્યારે રાતના પોણા આઠ વાગ્યાના અરસામાં ઝઘડીયા નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રોડ પર કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાન જયેશને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. અકસ્માતની આ ઘટના બાબતે વંઠેવાડના રહીશ રાજેશભાઇ વસાવાએ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ