ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે પોતાની દુકાનમાં અખાધ મનાતા ગોળનો જથ્થો રાખનાર ત્રણ વેપારીઓ ઝડપાયા હતા.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતિ મળી હતી કે ધારોલી ગામે ત્રણ વ્યક્તિઓ ગોળ મહુડા ફટકડી વિ.નો ધંધો કરે છે. પોલીસે મળેલ માહિતિ મુજબ ધારોલી ગામે જઇને આ બાબતે તપાસ કરી હતી. ધારોલીના મોદી ફળિયામાં રહેતા પ્રવિણભાઇ ચંદુભાઇ મોદીની દુકાનમાં તપાસ કરતા ૫ ડબ્બામાં અખાધ મનાતો ગોળ મળી આવ્યો હતો. ત્યારબાદ નજીકમાં રહેતા મુકેશભાઇ નગીનભાઇ મોદીની દુકાનમાં તપાસ કરતા ૩ ડબ્બામાં ભરેલ અખાધ મનાતો ગોળ મળી આવ્યો હતો. ઉપરાંત રાકેશભાઇ મહેશભાઇ મોદીની દુકાનમાં પણ તપાસ કરતા ૨ ડબ્બા ગોળ મળ્યો હતો. આમ પોલીસને તપાસ દરમિયાન કુલ ૧૦ ડબ્બામાં ભરેલ રુ. ૫૦૦૦ ની કિંમતનો ગોળ મળી આવ્યો હતો. ધારોલી ગામેથી મળી આવેલ આ અખાધ મનાતા અર્ધ પ્રવાહીવાળા ગોળના નમુના વધુ તપાસણી માટે એફએસએલ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. પોલીસે હાલતો આ અખાધ મનાતા ગોળનો જથ્થો રાખનાર આ ત્રણ ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા રાજપારડી ઉમલ્લા ભાલોદ જેવા મહત્વના વેપારી મથકો ઉપરાંત ઘણાબધા નાના ગામોએ પણ દેસી દારુ બનાવવામાં ઉપયોગી અખાધ ગોળ અને ફટકડીનું ધુમ વેચાણ થાય છે. તાલુકાના ઘણા મોટા વેપારીઓના ગોડાઉનોમાં ટ્રકબંધી દારુનો ગોળ રખાતો હોવાની વ્યાપક લોકચર્ચાઓએ પણ જોર પકડયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ