બાળ લકવા મુક્ત વડોદરા જિલ્લાના દરજ્જાને જાળવી રાખવા આગામી રવિવારથી જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પોલિયો રસી પીવડાવવાના અભિયાનનું જિલ્લા આરોગ્ય તંત્રે આયોજન કર્યું છે તેના હેઠળ નવજાતથી લઈને ૫ વર્ષ સુધીની ઉંમરના ૧.૮૫ લાખથી વધુ ભૂલકાઓને દો બુંદ જિંદગી કે થી જાણીતી બનેલી બાળ લકવાને રોકતી રસીના બે ટીપાનું પાન કરાવવા વ્યાપક અને સંકલિત વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીથી ૧ માર્ચ-૨૦૨૨ સુધી પ્લસ પોલીયો રાઉન્ડના આયોજન માટે કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં પોલીયો સ્ટીયરીગ કમિટીની મીટીંગ રાખવામાં આવી હતી.
મીટીંગમાં વડોદરા જિલ્લાના કુલ ૮ તાલુકા અને ૪ અર્બન હેલ્થ સેન્ટર મળીને ૮૭૦ પોલીયો બુથ, ૧૪૦ મોબાઇલ ટીમ, ૧૧૬ ટ્રાનસીટ ટીમનુ આયોજન કરી કુલ ૧,૮૫,૬૪૭ ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી આપવાની રૂપરેખાની મિંટીગમાં વિગતવાર ચર્ચા કરવાની સાથે જિલ્લામાં કોઇ પણ બાળક રસી વગર રહી ન જાય તેવો ખાસ અનુરોધ કલેકટરએ કર્યો હતો. તેમજ મિંટીગમાં આગામી તારીખ ૭ માર્ચ-૨૦૨૨ ના રોજ મિશન ઇન્દ્રધનુષ યોજાનાર હોઇ તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.