માંગરોળ તાલુકા મથકના મોસાલી ગામના પ્રવેશ દ્વાર પાસે રાજ્ય ધોરી માર્ગ પર આવેલ અત્યંત જોખમી બનેલ ગરનાળાથી મોટા અકસ્માતની દહેશત ઉભી થઇ છે છતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ માંડવી સ્થિત કચેરીના જવાબદારો દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી જેથી સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. મોસાલી ચોકડીથી વાલીયા તાલુકાના જોડતા રાજ્યધોરી માર્ગ પર ૭૦ થી ૮૦ વર્ષ જૂનું ગળનાળું આવેલ છે. હાલ આ ગળનાળાનો પાયો ખરાબ થઇ ગયો છે તેમજ ઉપરની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ છે. ગરનાળા ઉપર છેલ્લા કેટલાક સમયથી અવારનવાર નાના અકસ્માતો થઈ રહ્યા છે પરંતુ હવે મોટો અકસ્માત સર્જાય અને પાંચ પચ્ચીસ લોકોના મૃત્યુ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન સહિત તમામ વિભાગની કચેરીઓ આવેલી છે જેથી સમગ્ર તાલુકાના લોકો આ કચેરીઓમાં જોખમી ગર નળા પરથી જીવના જોખમે પસાર થઇ આવી રહ્યા છે અને મહત્વની બાબત તો એ છે કે જી. આઇ.પી.સી એલ કંપની દ્વારા વાલીયા તાલુકાની ખાણોમાંથી મોટા ટ્રક-ડમ્પરો મારફત રાત દિવસ કોલસાનુ વહન કરવામાં આવે છે ત્યારે જોખમી ગરનાળા પરથી પસાર થતા રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો માટે અત્યંત જોખમી સ્થિતિનું નિર્માણ થાય છે. માર્ગ અને મકાન વિભાગ હાલમાં ગરનાળાના નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાનું રટણ કરે છે પરંતુ આ જોખમી પરિસ્થિતિમાં મોટી જાનહાની થાય તેવી લોકોને દહેશત છે ત્યારે તંત્ર મોટી જાનહાનિ થાઇ તેની રાહ જોઈને બેઠુ હોય તેવું લાગી રહ્યું છે.
માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીને જોખમી ગરનળા અંગે રજૂઆત કરતા તેઓ ગરનાળાના કામની દરખાસ્ત કરી હોવાનું જણાવે છે પરંતુ આ મહત્વનો પ્રશ્ન છે અને યુદ્ધના ધોરણે આ કામ કરવાની જરૂર છે. પ્રતિ રોજ સમગ્ર તાલુકામાંથી હજારો લોકો કામકાજ માટે તાલુકા મથકે આવતા હોય છે અને જીવના જોખમે ગરનાળા પરથી પસાર થાય છે ત્યારે હવે તંત્રને અત્યંત જોખમી પરિસ્થિતિની જાણ કર્યા પછી અકસ્માત થાય અને મોટી જાનહાની થાય તો આ જવાબદારી સરકારી તંત્રની રહેશે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ