વડોદરાના છાણી વિસ્તારમાં વિકાસની ઉંધી દોટ જોવા મળી. રસ્તા માટે કોંગ્રેસના કોર્પોરેટરો બૂમો પાડી થાકી ગયા અને ભાજપના ઇશારે રાતોરાત બિનરહેણાંક વિસ્તારમાં રસ્તાનું નિર્માણ થતાં વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રાતોરાત થયેલા રસ્તાનું નિર્માણ કાર્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના કોર્પોરેટર રહેણાક વિસ્તારમાં રસ્તા બનાવવાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના ઇશારે રાતોરાત બિન રહેણાંક વિસ્તારમાં રાતોરાત રસ્તાનું નિર્માણ થઇ જતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે પાલિકાના સ્થાઈ સમિતિના અધ્યક્ષ ર્ડો હિતેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને સમગ્ર મામલે ઢાક પિછોડો કરવાના પ્રયાસ કર્યા હતા.
ઈલેકશન વોર્ડ 01 મા સમાવિષ્ટ છાણી વિસ્તારમાં સુચીત ટીપી 49 અને સર્વે નંબર 176 / 02 વાળી જગ્યામાં રવીશીખર બીંલ્ડીંગ નજીક થી 350 મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈના રસ્તાનું રાતોરાત નિર્માણ થઈ જતા વોર્ડ એકના કોંગ્રેસના નગર સેવકો એ પાલિકા તંત્ર પર આક્ષેપો કર્યા છે જ્યાં કોઈ રહેતું ન હોય તેવી જગ્યાએ ખેતરોની વચ્ચેથી કોર્પોરેશન દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો છે.વડોદરા કોર્પોરેશનની રોડ પ્રોજેક્ટ શાખા તથા કોન્ટ્રાક્ટર શિવાલય દ્વારા રાતોરાત આ રસ્તાનું નિર્માણ કરી દેવાયું છે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 70 લાખના ખર્ચે આ રસ્તાનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, રસ્તાની આસપાસ ભાજપના પરાક્રમસિંહ જાડેજા અને સતીશ પટેલના ખેતર આવેલા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા,જહા દેસાઈ અને હરીશ પટેલ સ્થળ પર દોડી ગયા હતા અને રસ્તાનું નિર્માણ કાર્ય જોતા અચરજમાં મુકાયા હતા. તેમણે નારાજગી દર્શાવી હતી કે અમારા રહેણાંક વિસ્તારમાં માર્ગની જરૂરીયાત હોઈ અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરી છે પરંતુ ત્યાં પ્રાથમિકતા નહીં આપી બિનજરૂરી રસ્તાનું નિર્માણ કર્યું છે. આમ કોર્પોરેશનની નીતિ પ્રત્યે અનેક સવાલો ઉભા થયા છે.