ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દાંત રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સહયોગથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસની આ શિબિરમાં દાંત અને પેઢાના રોગો માટેની સારવાર તેમજ ચેકઅપ અનુભવી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. જાગૃતિના અભાવે દાંત અને પેઢાના રોગોનું પ્રમાણ વધુ થાય છે, તે બાબતે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી આ શિબિર યોજવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના મત મુજબ જો આ બાબતે યોગ્ય કાળજી ન લેવાય તો આયુષ્ય ઓછું થવાની પણ સંભાવના રહે છે અને હૃદયમાં લોહીના પરિભ્રમણ સંબંધી તકલીફ તથા કેન્સર જેવા રોગોની પણ સંભાવના રહે છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવા શુભ આશય હેઠળ આરતી ઈન્ડસ્ટ્રીઝ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. શિબિરમાં દાંત અને પેઢાના ચેકઅપ, એક્સ-રે, સાદા દાંત કઢાવવા, પુરાણ કરવું, રૂટ કેનાલ તેમજ દુખાવાની સારવાર તદ્દન નિશુલ્ક કરવામાં આવી હતી. આ પ્રસંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો તથા અસ્મિતા વિકાસ કેન્દ્રના રાજેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ