કરજણ તાલુકાના માલોદ ગામ નજીક મોટરસાયકલ અને અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ઝનોર ગામનું એક પરિવાર ઝનોરથી વાસણા ગામ જવા મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે માલોદ ગામ નજીક અજાણ્યા વાહન સાથે અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ઈશ્વરભાઈ રેવલભાઈ માછી, ભિખીબેન ઈશ્વરભાઈ માછી તેમજ ઈશ્વરભાઈની દીકરીનો પુત્ર માનવ નરેશભાઈ માછીને શરીરે ગંભીર ઈજાઓ થતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
અકસ્માતના પગલે લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે સાથે ૧૦૮ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. પાલેજ – નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. ભૂતકાળમાં પણ માલોદ ગામ નજીક અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઓ લોકમુખે થઈ રહી હતી. પાલેજ – નારેશ્વર માર્ગ પર રેતી વહન કરી દોડતા વાહનચાલકો સામે હવે પોલીસ લાલ આંખ બતાવે એવી પણ લોક માગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ