ચાલુ સાલે દિવાળી બાદ કેટલીકવાર થયેલ કમોસમી વરસાદને લઇને તેની અસર ખેતીના કેટલાક પાકોને થઇ હતી. કમોસમી માવઠાઓથી શિયાળુ ખેતીના કેટલાક પાકોના ફાલ ઓછા આવતા તેની અસર જેતે પાકની ઉપજ પર પડી હતી.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તેમજ પાવીજેતપુર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા ત્રણેક દાયકાઓથી ઘણા ખેડૂતો અન્ય પાકોની સાથેસાથે ટામેટાની ખેતી પણ સારા પ્રમાણમાં કરે છે. સામાન્યરીતે ટામેટાની ગણતરી એક મહત્વના રોકડીયા પાક તરીકે થાય છે. પૂર્વ પટ્ટીના આ પંથકમાં ઉત્પન્ન થતા ટામેટા ટેમ્પાઓમાં ભરીને સુરત, વડોદરા તેમજ અમદાવાદના શાક માર્કેટોમાં વેચાણ માટે લઇ જવાતા હોય છે. પાછલા દાયકાઓથી આ પંથકમાં ટામેટાની ખેતી સારા પ્રમાણમાં થતી હોઇ, ટામેટાની ખેતી માટે ઉજળી આશા પ્રવર્તતી હતી. ચાલુ સાલે દિવાળી બાદ બે ત્રણ વાર થયેલ કમોસમી વરસાદને લઇને તેની અસર ટામેટાની ખેતી પર પણ પડી હતી. રાજપુર ગામના માજી સરપંચ અને અગ્રણી ખેડૂત હસમુખભાઇ કોલચાએ એક મુલાકાતમાં જણાવ્યું કે ચાલુ સાલે થયેલા કમોસમી માવઠાઓથી ટામેટાના ફાલને મોટું નુકશાન થયું છે. ઉલ્લેખનીય છેકે શાકભાજીના વિવિધ પાકોમાં ટામેટાનું સ્થાન આગળ પડતું ગણાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ટામેટા પૌષ્ટિક ગણાય છે. છોટાઉદેપુરના કવાંટ સહિતના પંથકોમાં ચાલુ સાલે ટામેટાની ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો મુંઝવણમાં જણાય છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર