કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. કોરોનાથી અંકલેશ્વરના ૮૧ વર્ષીય વૃધ્ધ તો ભરૂચના ૪૫ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું હતું.
૧,રામવાટિકા નગર,અંકલેશ્વરમાં રહેતા ૮૧ વર્ષીય મોદી ચંપકલાલ છોટાલાલને ગત ૦૬/૦૨/૨૦૨૨ ના રોજ કોરોના સંક્રમિત થતા તેમને અંકલેશ્વરની રીધમ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ૧૮/૦૨/૨૦૨૨ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. ભરૂચમાં ૨૯૧૦, રામણીવાસ ચાલી, સેવાશ્રમ રોડ ખાતે રહેતા ૪૫ વર્ષીય પટેલ કાશ્મીરાબેન રાજેન્દ્રકુમારને ગત ૦૮/૦૨/૨૦૨૨ ના રોજ કોરોના સંક્રમિત થતા તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ૧૮/૦૨/૨૦૨૨ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
જેમની અંતિમ વિધિ કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યના સૌ પ્રથમ કોરોના સ્મશાન ગૃહ ખાતે સ્વજનો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જે વચ્ચે 50 પ્લસ ઉંમર ધરાવતા લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં બંનેએ વેક્સીન ના લીધી હોવાનું બહાર આવ્યું છે. ત્રીજી લહેરમાં ૧૫ થી વધુ મૃતદેહને અત્યાર સુધીમાં અગ્નિદાહ અપાયા છે.
હારુન પટેલ : ભરૂચ