ભરૂચ જિલ્લાના ઝઘડીયા ડેપોમાંથી સવારે કારંટા માટેની બસ જાય છે. સવારના પોણા છ વાગ્યાના સમય દરમિયાન ઝઘડીયા ડેપોમાંથી કારંટા જવા બસ ઉપાડવામાં આવે છે. આ બસ સેવા લાંબા અંતરની બસ સેવા છે. રાજપિપલા કેવડીયા નસવાડી બોડેલી વિ.સ્ટોપેજો પરથી હાલોલ ગોધરા લુણાવાડા તરફ જવાવાળા મુસાફરો માટે આ બસ ડાયરેક્ટની બસ હોવાથી મોટું મહત્વ ધરાવે છે. કારંટાથી પાછા ફરતા પણ સારા એવા મુસાફરો બસ સેવાનો લાભ લે છે. પરંતું ઝઘડીયા ડેપો દ્વારા આ રૂટ પર મીની બસ મુકવામાં આવે છે, એને લઇને મહદઅંશે બસ ખીચોખીચ ભરાઇ જતા મુસાફરોએ હાલાકિ ભોગવવી પડે છે. નાની બસના કારણે ઘણીવાર આગળના મુસાફરો રહી જવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે. રીટર્નમાં બોડેલીથી નસવાડી કેવડીયા રાજપિપલા તરફના મુસાફરો માટે સાંજના સાડા પાંચ છ ના ગાળામાં આ છેલ્લી બસ હોવાથી મુસાફરોને યાતના ભોગવવી પડે છે. ઝઘડીયા ડેપો દ્વારા આ લાંબા અંતરની બસ સેવાનો લાભ મુસાફર જનતાને આપવામાં આવે છે તે ખરેખર પ્રસંશનિય છે, પરંતું ડેપો સત્તાવાળાઓ આ રૂટ પર મીની બસને બદલે મોટી બસ મુકે તો મુસાફરોને પડતી હાલાકિ નિવારી શકાય તેમ છે. તેથી ઝઘડીયા ડેપો તાકીદે મુસાફર જનતાના વિશાળ હિતમાં આ રૂટ પર મોટી બસ ફાળવે તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ