ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરની ઉંઘનો લાભ લઇ બેગ ચોરી કરનાર આરોપી રાકેશ આહીરવારને રેલવે પોલીસે ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડી ૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની સોના-ચાંદી સહિતના દાગીનાવાળી બેગની ચોરી અંગે મળેલી ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે ઉત્તરપ્રદેશ ખાતેથી આરોપી રાકેશ આહીરવારને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાના હીરા જડીત હાર, કડા તેમજ અન્ય વસ્તુ સાથે મોબાઈલ મળી કુલ ૧૧,૪૨,૨૮૪ /- જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીને રિમાન્ડની માંગણી કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તજવીજ હાથ ધરી છે.
અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. બી/2 માં ફરિયાદી તેના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન આંખ લાગી જતા તેઓ સુઇ ગયા હતા. અને જ્યારે જાગ્યા ત્યારે સીટ નીચે દાગીના ભરેલી બેગ ગાયબ થઇ હતી. જેને લઇને ફરિયાદીએ વાપી પોલીસ સ્ટેશનમાં બેગ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. એલ.સી.બી.ની વિવિધ ટીમોએ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ શકમંદ વાપી રેલવે સ્ટેશન પર હાજર હોવા અંગેની ખરાઇ કરી લીધી હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે તપાસ આગળ ચાલી હતી. આરોપી ઉત્તરપ્રદેશ ભાગી ગયો હોવાનું સામે આવતા પોલીસની ટીમોએ આરોપીની ભાળ મેળવી હતી. આખરે પોલીસને જાણ થઇ કે આરોપી યુવાન લગ્ન પ્રસંગમાં આવનાર છે. ત્યાં પહોંચી પોલીસે લગ્નમાં ડેકોરેશન ટેકનીશીયનની ઓળખ ઉભી કરી પહોંચ્યા હતા. આરોપીની લલિતપુર પાસેના પનારી ગામે ઓળખ થતા જ તેને પકડી લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વેશપલટો કરી પોલીસે આરોપીને ઝડપી પાડતાં પોલીસ ચોપડે નોંધાયેલા 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.