ચાચુ, વો કોન થી? કોણ? જે મને Hi કહીને બોલાવતા ગયા હતા? ક્યાં? કાલે, હોટેલમાં. મને શું ખબર? તારા શહેરમાં હું તો મહેમાન છું. એમ…? કહોને, કોણ હતા? અરે… મને યાદ નથી. જૂઠ? કહોને, કોણ હતું ? કોઈ સ્પેશ્યલ? દીકરી, બાવન વર્ષના આ યુવાન પર શંકાનું કારણ? એ નજીક આવ્યા ત્યારે તમે જાણી જોઈને મેનુમાં મોં સન્તાડ્યું હતું, એ મને ખબર છે… ઓહ… તો દીકરી મોટી થઇ ગઈ ને પાછી જાસૂસ? એ છોડોને…કહી દો ને, કોણ હતા? કોલેજમાં સાથે હતી. એક ક્લાસમાં? ના…. Same year માં.
મતલબ, ત્રણ વર્ષની દોસ્તી? ના. એક જ વર્ષની. બીજા વર્ષથી એનો બોયફ્રેન્ડ આવી ગયેલો…..સ્માર્ટ, લેન્ડલોર્ડ હશે? ના. મધ્યમવર્ગનો. પણ જ્ઞાતિભાઈ તો… કાચું ક્યાં કપાયું? શેનું?…. (મૌન )…. પૂછ્યું’તું ખરું? એ જ ભૂલ થઇ ગઈ’તી. આજના જુવાનિયાઓની જેમ પૂછી લેવાનું હતું…નહીં? મોકો તો મળ્યો જ હશે,પૂછવાનો?? નવા નવા કોલેજીયન એટલે કેન્ટીનમાં ભેગા થતા છેલ્લે તો, વરસતા વરસાદમાં બસની મુસાફરી પણ કરી હતી. સાથે બેસીને?
ના. આગલી – પાછલી સીટ પર. એની બાજુની સીટ પર જગ્યા ખાલી હતી તોય… ઓહ…. એવુ?.. પછી?
શું પછી? કહાની પુરી….ના ના…. કંઈક intresting યાદ કરો.શું યાદ કરું?…ભીના વાળ ખંખેરીને છાંટા ઉડાડતી હતી એ?…ઓહ… So romantic…એવુ પણ કરતી હતી?..ચાચુ, બીજું…?બેટા, આ ઉંમરે તું મારી ફીરકી લે છે? ગુસ્સો થુકો ને એ કહો કે એના ભીના વાળ ક્યારે સુકાયા? મેં રૂમાલ આપ્યો, પછી. ઓહ… તમે કોઈ છોકરીને હાથ રૂમાલ આપ્યો હતો? નૉટી ચાચુ….પછી? હમણાં પાછો આપશે, આજે આપશે, કાલે આપશે..તેવી ખુબ રાહ જોઈ. રૂમાલ પાછો આવ્યો?? ના. આખુ વર્ષ સતત રાહ જોઈ. માંગ્યો કેમ નહીં? શોબર રહેવાની ટણી…વટ નો સવાલ. એટલે? માંગે એ બીજા. એક રૂમાલની વળી કિંમત પણ શું? માંગુ તો મારી value ના ઘટી જાય? અરે યાર….કેમ, શું થયું? તમે તેમને છેલ્લે ક્યારે મળેલા? 22 વર્ષ પહેલા… તો,ગઈકાલે ઉઠીને મળવા કેમ ના ગયા ડર…. દીકરા ફૌજીને વળી શેનો ડર? આંખોથી નીતરતા સ્નેહને ચશ્માં વગર ઓળખે જ ના તો?? સાવ એવુ ના હોય. કોઈ બીજો ડર હશે. બીજો ડર?? હા…રૂમાલ રીટર્ન કરી દે, તેનો પણ…! ચાચુ… મેં ગઈકાલે તેમના ટેબલ પર એક હાથ રૂમાલ જોયો હતો. તું મને ડરાવે છે?? ના. ચોકાવું છું. રાઝ ખોલું છું. ચાચુ, એ મારાં ટ્યૂશન ટીચર છે.
હેં….ઓહહ… શું વાત કરે છે? સાચે?? હા. એમની પાસે તેમના કોલેજકાળથી હાથ રૂમાલનું કલેકશન છે. ખાદીથી લઈને ઈમ્પોર્ટેડ. લેડીઝ જેન્ટ્સ બધા. સારુ કહેવાય. એ હતી જ મસ્ત. ઢગલો રૂમાલ આવ્યા હશે, નહીં ? ચાચુ, વિચારોનું લેવલ જાળવો. તેઓ નામાંકિત પ્રોફેસર છે. ઓહહ… મતલબ, તારી મેડમે યાદોનો તાજમહેલ રચ્યો છે!! અને મેં, તેમની ચોપડીમાંથી ચોરી લીધેલું પીપળાનું પાન પણ ઢંગથી સાચવ્યું નથી. વાહ… ફરી જીતી ગઈ. જીતી ગયા બોલો…Miss કરો છો? શું? પીપળાનું પાન? ચાચુ…. એમની પાણીદાર આંખો…એમના હસવાનો અંદાજ…. હું તો દીવાની છું.ખબરદાર એ આંખોની વાત છેડી છે તો….ગમતી વ્યક્તિનું ગમતું સન્તાડવાનું હોય…બધું જાહેર ના કરાય. કહેતી ના કે હું તારો ચાચુ છું. હવે કોઈ અર્થ નથી, ચાચુ. એ સદા માટે અમેરિકા જાય છે. Thank God. હેં…. એ કેવું? એ દૂર જાય તે તમને ગમે? હા બેટા. એ દૂર રહે એમાં જ બન્નેનું ભલું છે. કેમ? પર્વત દૂરથી રળિયામણા?? ના. એ પર્વત નહીં કૈલાસ પર્વતની શ્રેણીમાં આવે એટલે. હમ્મ…. ખટ્ટે અંગુર જેવું? ના બેટા. Respect. સીમાડા સાચવતા જવાનને મન આગ ઝરતી રેતી પણ ધરતી માતા હોય છે. શું ચાચુ, આને Crush કહેવાય?? ના બેટા. એથી કંઈક વિશેષ. આવા સંબન્ધો ઉજાગર ના થવા જોઈએ. એ અવ્યક્ત લાગણીઓ જ પંદર વર્ષના ફૌજી જીવનનું પ્રેરકબળ છે. ઓહ…પ્રેમમાં નિષ્ફળ રહ્યા એટલે ફૌજમાં ગયાં , એમ ને??
મેળવી લેવું, છીનવી લેવું, માંગી લેવું આસાન છે. છોડવું, ત્યાગવું, જાળવવું… એ સંસ્કાર છે ને પાછા સ્વભાવમાં છે એટલે માં ભોમને સમર્પિત થવા ફૌજ જોઈન કરી હતી. ચાંપલી, હવે કાંઈ ના પૂછતી અને કોઈને કાંઈ ના કહેતી. ઓકે??
વાહ ચાચુ. I m proud of you. આપ બંનેની સહજતા અને સરળતા ને salute . પણ…ચાચુ તમે કેમ માની લીધું કે એમનું રૂમાલનું કલેકશન તમારા રૂમાલ થી જ શરૂ થયું હશે? એમણે એવુ કઈ કીધું નથી. ભલેને ના થયું હોય. એકલવ્ય માટે તો ગુરુ દ્રોણની કલ્પના જ અગત્યની.
યાર, સમજ નથી પડતી, કોણ કોને આગળ કરી રહ્યું છે?
બેટા,… એ માટે ડૂબવું પડે. પ્રેમના દરિયામાં… કિનારે છબછબીયા કરવાથી કે 14મી ફેબ્રુઆરીએ જ જેમને ઉભરા આવતા હોય તેમને આ નહીં સમજાય.
રણજિત માલી