આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષના સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે મીટીંગોનો દોર શરૂ થઇ ગયો છે. જે અંતર્ગત કરજણ ખાતે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઇ હતી. સાથે સાથે કરજણ ખાતે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રભારી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા હાજર કોંગી કાર્યકરો ને હાકલ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તાલુકા પ્રમુખોએ પણ પોતાનું સંગઠન મજબૂત બનાવી મહિલાઓનું સંગઠન મજબૂત બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી ડિજિટલ સદસ્ય ઝુંબેશને વેગ આપવા અનુરોધ કર્યો હતો. ગામડાની મહિલાઓને અન્યાય ન થાય એ માટે ડિજિટલ સદસ્ય ઝુંબેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ત્યારબાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અઘ્યક્ષા ગાયત્રી બા વાઘેલા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે અમે મહિલાઓના સંગઠનને મળવા આવ્યા છે. હું કોંગ્રેસના સૈનિકોને આવકારુ છું. કોંગ્રેસે ઘણી બધી યોજનાઓ આપી છે. માર્ગ, પાણી, લાઇટ ની વ્યવસ્થા કોંગ્રેસે કરી હોવાનું જણાવ્યું હતું. કોરોના મહામારીમાં ભાજપ નિષ્ફળ ગઇ હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. સરકારની અણઆવડતના કારણે કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થયાના પણ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા યોજી કોરોનાગ્રસ્તોના પરિવારોને ન્યાય અપાવ્યો હોવાનું જણાવ્યું હતું. કોરોના કાળ દરમિયાન મૃત્યુ આક ઓછો બતાવ્યો હોવાના તેઓએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ડિજિટલ સદસ્ય ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને જોડવા તેઓએ આહવાન કર્યું હતું.
ત્યારબાદ મુખ્ય વક્તા એ. આઈ.સી.સી.ના મહામંત્રી શોભના બેન શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલા કોંગ્રેસ કાર્યાલય હોવું એ ખૂબ મોટી વાત છે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગી કાર્યકરો ને સંગઠિત થઈ લડાઈ લડવા હાકલ કરી હતી. ચૂંટણીમાં એવું કામ કરવાનું છે. કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા નું છે. આજે દેશમાં દરેક પરેશાન છે. મોંઘવારીના મુદ્દાને ખાસ ઉજાગર કરવા તેઓએ હાકલ કરી હતી. મોંઘવારી ખૂબ વધી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. આયોજિત મિટિંગમાં વડોદરા કોંગ્રેસ શહેર અઘ્યક્ષા લતાબેન સોની, વડોદરા આરોગ્ય સમિતિના પુર્વ ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય સહિત તાલુકા ના કોંગી અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ