Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાના ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટરમાં નવી સુવિધા : પ્રફુલ્લિત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે બેઠકો યોજી શકાશે.

Share

રાજ્યના વન વિભાગના પીઠબળથી વન્ય જીવ વિભાગ, વડોદરા દ્વારા જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલા અને કુદરતી સૌંદર્યથી ભર્યાભાદર્યા ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટરમાં નવી સુવિધા ઉમેરવામાં આવી છે જેના પગલે કોર્પોરેટ્સને આ સ્થળે જવાનું આકર્ષણ વધશે. અહીં પ્રવાસી જૂથોને સામાજિક કે નીગમિત બેઠકો – કોર્પોરેટ મિટિંગ યોજવાની અનુકૂળતા આપતો નાનકડો પણ સુવિધા સંપન્ન અને વાતાનુકુલ સભાખંડ બનાવવામાં આવ્યો છે એટલે પ્રકૃતિને માણવા સાથે પ્રફુલ્લિત વાતાવરણમાં બેઠકો યોજી શકાશે. તેનું સંચાલન ઇકો ટુરિઝમ મંડળીને હસ્તક રહેશે.

યાદ રહે કે આ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ગામલોકોની બનેલી ઇકો ટુરિઝમ મંડળી દ્વારા સંચાલિત છે. ગામના પ્રત્યેક ઘરમાંથી એક એ રીતે આ મંડળીના ૧૪૦ સદસ્યો છે અને ૯ સભ્યોની કારોબારી સમિતિ આ સ્થળનો વહીવટ વન વિભાગની દેખરેખ હેઠળ કરે છે. મંડળીના સચિવ મનહરભાઈ ભીલે જણાવ્યું કે ૭૦ સુવિધાજનક બેઠકો ધરાવતો આ હોલ વાતાનુકૂલિત છે અને ૧૦૦ ઇંચના સ્ક્રીન સાથે વર્તમાન સમયમાં બેઠકોના આયોજન માટે અનિવાર્ય ગણાય તેવા મલ્ટી મીડિયા ઉપકરણોથી તે સુસજ્જ છે.

કાર્યકારી મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજી એ કાર્યકારી નાયબ વન સંરક્ષક આર.એલ.મીના નું આ સુવિધાના વિકાસમાં પ્રોત્સાહક માર્ગદર્શન મળ્યું છે. અહીંની સંચાલક મંડળી દ્વારા જ આ સુવિધાના ઉપયોગ માટે ભાડું નક્કી કરવામાં આવશે. ફક્ત દિવસના સમયમાં બેઠકો ઇત્યાદિ માટે તેનો ઉપયોગ થઈ શકશે. રાત્રે તેમાં આ કેન્દ્ર ખાતે રોકાયેલા પ્રવાસીઓને ધનપરી અને અન્ય ઇકો ટુરિઝમ સ્થળો અને રાજ્યના વનો તેમજ વન્ય પ્રાણી સંપદાનો પરિચય આપતી વિડિઓ ફિલ્મો બતાવવાનું આયોજન વિચાર્યું છે. આ અભયારણ્ય અને રક્ષિત જંગલ વિસ્તાર હોવાથી પરિભ્રમણ જેવી માન્ય પ્રવૃત્તિઓ અને રોકાણ માટે વન્ય પ્રાણી વિભાગની આગોતરી પરવાનગી મેળવી લેવી અનિવાર્ય છે.

Advertisement

કોઈપણ સંજોગોમાં વનની શાંતિનો ભંગ થાય, કુદરત અને વન્ય જીવોને ખલેલ પહોંચે તેવા કોઈ કાર્યક્રમો માટે આ હોલના ઉપયોગની મનાઈ રહેશે. આ સ્થળે આરક્ષણ અને પરવાનગી સાથે આવનારાઓને વીમા સુરક્ષા કવચનો લાભ મળે છે એ પણ નોંધનીય છે. ઘણાં બધાં નાના એકમો હવે ગેટ ટુગેધર અને કર્મચારીઓ હળવાશ અનુભવી શકે તે માટે આ કેન્દ્ર ખાતે સમયાંતરે જૂથ પ્રવાસ યોજે છે ત્યારે આ નવી સુવિધા તેમની અનુકૂળતા અવશ્ય વધારશે.


Share

Related posts

અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓ માટેના”એજ્યુકેશનલ ટોયઝ” નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ખેડાનાં મહુધા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!