વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી બહાર બીઆરટીએસ રૂટ પરથી રોડ ક્રોસ કરતી ત્રણ પૈકી બે વિદ્યાર્થિનીઓને બીઆરટીએસ બસે અડફેટે લેતા એકને ગંભીર ઇજા થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. રોડ ઉપર ફંગોળાયેલી વિદ્યાર્થીને ૧૦૮ ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાઈ હતી. વિદ્યાર્થિનીને ઉડાવી બસનો ડ્રાઇવર બસ લઈ ભાગી જતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સવારે ૧૦ વાગ્યા અરસામાં કેમેસ્ટ્રી માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થિનીઓ હોસ્ટેલથી યુનિવર્સિટીમાં પોતાના ડિપાર્ટમેન્ટમાં જઇ રહયા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે રોંગ સાઇડ ઉપર બેફામ ભગાવતા બીઆરટીએસના બસના ચાલકે વિદ્યાર્થીઓને જોયા બાદ પણ બ્રેક મારવાના બદલે બેફામ હંકારી ટક્કર મારતા ખ્યાતિ અને પ્રિયંકા નામની વિદ્યાર્થિનીઓ અડફેટે ચડી ગઇ હતી. જોકે ખ્યાતિને સામાન્ય અને પ્રિયંકાને ગંભીર ઇજા થયા બાદ રોડ ઉપર ફેંકાય ગઈ હતી. અકસ્માત બાદ બસનો ચાલક બસ લઈ ભાગી ગયો હતો. ઘટનાને નજરે જોનાર બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી ખ્યાતિ અને પ્રિયંકાને સારવાર માટે સાથી વિદ્યાર્થિનીઓ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં પ્રિયંકાને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઇ છે. ઘટનાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.