ધનેશ્વરી માતાના ડુંગર અને સાદરાના જંગલમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે અને દીપડા, નીલગાય, શાહુડી સહિતના વન્ય જીવો પણ છે. ભોમિયા જશુભાઇ રાઠવા કહે છે કે ડુંગર પર અને ઢોળાવો પર રામબાવળ, ઉંભ, બિલી, વાંસ, દેવ વૃક્ષ ગણાતું કલમ, જેની લચીલી ડાળખીઓનો ઘાસની ગાંસડી બાંધવામાં દોરડી જેવો લોકો ઉપયોગ કરે છે તે મોઈનો, ટીમરૂ જેવા વૃક્ષો અને વેલાઓ મોટા પ્રમાણમાં છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, જળ જાંબુ, ખાખરો, આલેડો, બહેડો, ઉમરો, આસિતરો, કાકડ, મોદડ, લીમડો, કુસુમ, ગૂગળ અને ચારોળી જેવા સંખ્યાબંધ પ્રજાતિઓના વૃક્ષો છે.
મહુડા હોય ત્યાં પોપટ તો હોય જ તેવી જાણકારી આપતાં વનરક્ષક જગદીશ પટેલ અને ઇકો ટુરિઝમ મંડળીના મનહરભાઈ જણાવે છે કે ચિલોત્રો, ખેરખટ્ટો, દુધરાજ, પીળક, લક્કડખોદ, સહિતની પક્ષી વિવિધતા પણ પંખી છબિકારોએ નોંધી છે. તરગોળ અને કડાના બે સિંચાઇ તળાવો જંગલોને પોષે છે અને પવિત્ર ઝંડ હનુમાનની જગ્યા, પ્રાચીન અને જર્જરિત શિવ મંદિરો અને પાંડવ કાલીન અવશેષો આ વિસ્તારને રસપ્રદ બનાવે છે.
સાદરા ડુંગર વિસ્તારમાં પક્ષીઓ અને વનસ્પતિની રમણીય વૈવિધ્યતા.
Advertisement