નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર સાતના દાંડિયા બજાર સ્થિત વર્ષોથી મચ્છી માર્કેટ ભરાતું આવ્યું છે. જ્યાં શહેરના લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે નજીકમાં શાકમાર્કેટ પણ હોય લોકોની અવરજવર મુખ્ય માર્ગ પર થતા અવારનવાર ટ્રાફિક જામ અને ગંદકીનું સામ્રાજ્યનું નિર્માણ થતું આવ્યું છે. જેના નિવારણ માટે નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તા પર બેસી મચ્છી વેચવાનો વેપાર કરતી મહિલાઓને મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનો નિવારણ પણ થાય તે હેતુથી દાંડિયા બજાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવાયુ છે.
આ મચ્છી માર્કેટમાં લાઈટ, પાણી, પંખા સહિતની સુવિધાઓ નગરપાલિકા દ્વારા પુરી પાડવામાં આવી છે પરંતુ ઘણા સમયથી માર્કેટ બંધ અવસ્થામાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન સાબિત થતા ગંદકી અને ટ્રાફિકની પરિસ્થિતિ યથાવત રહી છે. દાંડીયા બજાર વિસ્તારમાં વર્ષોથી વેપાર કરતી મહિલાઓના જણાવ્યા અનુસાર નગરપાલિકા અમારી પાસેથી વધુ ભાડું વસૂલવાની વાત કરે છે ત્યારે અમે માત્ર રોજના દસ રૂપિયા સુધીનું ભાડું આપી શકીએ એમ છે. મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા ૮૦ રૂપિયા રોજનું ભાડુ વસૂલવાની વાત કરવામાં આવી હતી જે અમારાથી ચૂકવાય તેમ નથી જે કારણે આ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન અમારા માટે સાબિત થઇ રહ્યું છે.
આ માર્કેટ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને પૂછતા જણાવ્યું હતું કે મચ્છી માર્કેટમાં સ્વચ્છતા, પાણી, લાઈટ જેવી તમામ સુવિધાઓ નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવનાર છે જેથી નગરપાલિકાને થતો ખર્ચ વધુ ના થાય અને વેપાર કરતી મહિલાઓને પણ મુશ્કેલી ન પડે તે હેતુથી 80 રૂપિયા પ્રતિ દિવસના નજીવા દરે આ જગ્યા આપવાની વાત થઈ હતી. પરંતુ મહિલાઓએ નગરપાલિકામાં 80 રૂપિયાની જગ્યાએ દસ રૂપિયા આપવાની રજૂઆત કરી છે તેને લઈ નગરપાલિકા દ્વારા ચર્ચા વિચારણા કરી વહેલીતકે નિર્ણય કરી નગરપાલિકાને અને વેપાર કરતી મહિલાઓને પણ હાડમારી ન ભોગવવી પડે તેવા પ્રયાસ કરી માર્કેટ ખુલ્લુ મુકાશે.
ભરૂચનાં દાંડિયા બજાર સ્થિત લાખોના ખર્ચે બનેલ મચ્છી માર્કેટ શોભાના ગાંઠિયા સમાન…
Advertisement