ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર બુધવારની વહેલી સવારે પસાર થતી એક લકઝરી બસ એકાએક 15 ફુટ ખાડામાં ખાબકી હતી. બસમાં સવાર 50 જેટલાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ પૈકી 3 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ છે. જ્યારે એક મુસાફર બસની અંદર ફસાતાં તેને ફાયરબ્રિગેડની ટીમે રેસ્કયુ કરી બહાર કાઢ્યો છે. બનાવના પગલે 4 એમ્બ્યુલન્સ તથા નડિયાદ, મહુધા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
નડિયાદ-કપડવંજ રોડ પર વિણા પાસે બુધવારની વહેલી પરોઢે પસાર થતી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં આવેલ 15 ફુટના ખાડામાં ઉથલી પડી હતી. સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ આ બનાવ બનયો હતો. બનાવ બાદ કેટલાક મુસાફરો બારીમાંથી બહાર નીકળી મદદે આવ્યા હતા. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર કન્ટ્રોલને કરવામાં આવતાં ફાયરબ્રિગેડ તુરંત બચાવ કામગીરી માટે દોડી આવ્યું હતું. જે બાદ ઈમરજન્સી વિભાગે અંદર ફસાયેલા 20 થી 25 જેટલા મુસાફરોને બહાર કાઢી સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. રાજસ્થાનથી સુરત જઈ રહેલી આ બસને અકસ્માત નડતાં બસમાં આશરે 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું મુસાફરે જણાવ્યું છે. તો વળી ઉપરોક્ત ઘટનામાં એક મુસાફર બસમાં ફસાયો હતો. જેને નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે આશરે દોઢ કલાકની જહેમત બાદ સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપી બસમાંથી હેમખેમબહાર કાઢ્યો છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં મોટી જાનહાનિ થતાં ટળી છે. હદ ધરાવતા પોલીસે નિવેદનની કામગીરી હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
બસમાં સવાર પેસેન્જર જણાવ્યું હતું કે દેવગઢથી સાજે આ બસ નીકળી હતી જે બાદ જમવાનો હોલ્ડ કરી વહેલી સવારે આ બસ નડિયાદ પંથકમાંથી પસાર થતી વેળાએ અકસ્માત સર્જાયો છે. જેમાં કોઈ વૃક્ષ સાથે અથડાયા બાદ આ લકઝરી સિધી 15 ફુટ ખાડામાં પડી હતી. આ અકસ્માત દરમિયાન સૌ મુસાફરો બસમાં સુઈ રહ્યા હતા અને અચાનક અકસ્માત થતાં સૌ કોઇ ગભરાઇ ગયા હતા.