ગુજરાત સ્ટેટ મોનિટરિંગની ટીમ ગતરોજ ભરૂચ જિલ્લામાં છુપી રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નેત્રંગ રોડ પર વિજય અંબુભાઈ વસાવા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ખુલ્લી જગ્યામાં જથ્થો રાખીને પોતે તથા માણસો રાખીને દારૂનો છૂટક વેપાર કરે છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે રાજપારડી ચોકડી પાસે નેત્રંગ રોડ પર આવેલ વૈશાલીનગરમાં જઇને જોતા ત્યાં એક ઈસમ બાઇક પર બેઠો હતો અને અન્ય એક તેમજ એક છોકરો મળીને આ ત્રણ ગ્રાહકોને વિદેશી દારૂનું વેચાણ કરતા જણાયા હતા. તેમને ઝડપવા જતા તેઓ ખુલ્લી જગ્યામાં ભાગવા લાગ્યા હતા, જેમાં પોલીસ ટીમ દ્વારા એક છોકરાને પકડી લેવાયો હતો. ભાગી ગયેલ પૈકીના એક ઈસમનો મોબાઈલ ભાગવા સમયે પડી ગયો હતો. ઝડપાયેલ છોકરાને તેનું નામ અને ઉંમર પુછતા તે સગીર જણાયો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત ખુલ્લા ખેતરોમાં તપાસ કરતા જમીનમાં દબાયેલા એક પીપ મળી આવ્યું હતું, જેમાંથી ખાખી કલરના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ છોકરાને તેનું આધાર કાર્ડ રજુ કરવા જણાવતા તેની ઉંમર ફક્ત ૧૪ વર્ષ ૧૧ મહિના જેટલી હોવાનું જણાયું હતું. આ છોકરો સગીર હોઇ, તેની માતાને પણ પોલીસ સ્ટેશને બોલાવી તેની રૂબરૂમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગણતરી કરી હતી. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કાચની ૧૦૧ નંગ બોટલ જેની કિંમત રુ.૧૩,૮૮૦ , એક બાઈક કિંમત રૂપિયા ૨૦૦૦૦ તથા રોકડા રૂપિયા મળીને કુલ રુપિયા ૩૯,૩૯૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ પકડાયેલ સગીર યુવકને તેની માતાની રૂબરૂમાં પૂછતા તેણે જણાવેલ કે આ દારૂનો જથ્થો વિજય વસાવા રહે. રાજપારડી લાવતો હતો અને તે આ વિદેશી દારૂનો જથ્થો આપીને બહાર ગયેલ છે. તે ક્યાંથી અને કોની પાસેથી લાવે છે જેની ખબર નથી, તેમ તેણે જણાવ્યું હતું. આ સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ રેઇડ દરમિયાન ઝડપાયેલ સગીર યુવક તેમજ વિજય અંબુભાઈ વસાવા, જયેશ ઉર્ફે જયલો વસાવા અને અમિત વસાવા વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.