ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર દ્વારા નેત્રંગ તાલુકાના ડેબાર, ગાલિબા અને કાકડકુઇ ગામે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના ધો.૧૦ તેમજ ૧૨ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષા અંતર્ગત સાહિત્યનું વિતરણ કર્યુ હતુ.
આ પ્રસંગે સંસ્થાના ઉર્મિલાબેન વસાવા, નિવૃત વન અધિકારી દલુભાઇ વસાવા તેમજ ગામ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરિક્ષાલક્ષી સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી જીવનમાં ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરિક્ષા બાદ અભ્યાસની અલગઅલગ લાઇનોમાં જોડાવાની તકો વિદ્યાર્થીઓ માટે ઉભરતી હોય છે, ત્યારે ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરિક્ષાનું વિદ્યાર્થીઓની આગળની કારકીર્દિ માટે મોટું મહત્વ ગણાય છે. આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ સંસ્થાનો આભાર માન્યો હતો. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકીર્દિની શુભેચ્છા પાઠવીને અભ્યાસ પ્રત્યે એકાગ્રતા કેળવીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ