વડોદરા શહેરમાં ભુતડીઝાંપા વિસ્તારમાં ભરાતું શુક્રવારી બજાર સતત ચાર સપ્તાહથી બંધ રહેવા પામ્યું છે. આજે વધુ એક વખત શુક્રવારે શુક્રવારી બજારમાં વેપારીઓને પોલીસે ખસેડી શુક્રવારી બજાર બંધ કરાવતા વેપારીઓએ તંત્ર વિરુદ્ધ છાજિયા કુટી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરમાં 100 વર્ષ ઉપરાંતથી ભરાતું શુક્રવારી બજાર છેલ્લા ચાર સપ્તાહથી બંધ રહેવા પામ્યું છે. આ બજારમાં નાના વેપારીઓ જુના કપડા સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરી પોતાની આજીવિકા રળતા હોય છે. હાલ સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધવા માંડતાં સંક્રમણ વધુ ફેલાય નહીં તેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા તંત્ર તેમજ પોલીસ દ્વારા શુક્રવારી બજાર સતત ચાર સપ્તાહથી બંધ કરાવવામાં આવ્યું હતું જેને કારણે વેપારીઓએ કોર્પોરેશનમાં મોરચો માંડી કોર્પોરેશન પરિસરમાં જ પથારો માંડી બજાર ભર્યું હતું અને શુક્રવારી બજારને પુનઃ શરૂ કરવા રજૂઆત કરી હતી. જોકે જે બાદ આજે શુક્રવારે વધુ એક વખત શુક્રવારી બજારમાં વેપારીઓ ધંધો કરવા આવતા પોલીસે તમામ વેપારીઓને ખસેડીને શુક્રવારી બજાર બંધ કરાવતા મહિલા વેપારીઓએ તંત્ર વિરુદ્ધ છાજીયા કૂટયા હતા. જ્યારે સામાજિક કાર્યકર પવન ગુપ્તા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. બીજી તરફ મહિલા વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે ખાલી શુક્રવારી બજારમાં જ કોરોના નડે છે. મંગળ બજાર સહિતના અન્ય બજારોમાં રોજ ભારે માત્રામાં ભીડ થતી હોય છે, તો બંધ કરાવવું હોય તો તેને પણ બંધ કરાવો નિયમ બધા માટે એક સમાન છે. છેલ્લા ચાર સપ્તાહથી બજાર ચાલુ ન રહેતા ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે વેપારીઓએ ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.