Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા અકોટા સોલાર બ્રિજની સોલાર પેનલમાંથી નવ માસમાં કુલ 7,92,000 યુનિટ ઉર્જા ઉત્પન્ન કરાય.

Share

સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમ વડોદરા શહેરમાં ઓવ બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. ૫૦ લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલમાંથી આ નવ માસ દરમિયાન કુલ ૭,૯૨,૦૦૦ યુનિટ ઊર્જા સૂરજ દાદાએ આપી છે.

ગત મે માસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે ૨૫૨ મિટરની લંબાઇ અને ૪૦ મિટરની પહોળાઇ અને ૧૫.૩૩ મિટરની ઉંચાઇ સાથે ૧૧૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કુલ રૂ. ૨૩.૨૫ કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે.

અકોટા બ્રિજની ઉપર ૩૨૫ વોટ પાવરની કૂલ ૩૦૨૪ સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે ૭૦ કિલો વોટના ૧૪ સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલો વોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે. તમામ પેનલોને વાયવ્ય દિશામાં ૧૨ થી ૧૮ ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે. જેથી સૂર્યપ્રકાશ દિનભર મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન ૩૯૪૦ યુનિટ અને વાર્ષિક ૧૪ લાખ વીજ યુનિટ ઉત્પાદન થઇ શકે છે.

Advertisement

મજાની વાત એ છે કે ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૫.૪૫ વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના ૧૧.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે. આ પેનલો ઉપર ધૂળ જામી જતી હોય છે. એટલે એક પખવાડિયા દરમિયાન વારાફરતી તમામ પેનલો સાફ થઇ જાય એ રીતે સફાઇ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ ના હોય ત્યારે પ્રતિદિન ૫૦ થી ૬૦ પેનલની સફાઇ કરવામાં આવે છે. તેને ડસ્ટરથી જ સાફ કરવામાં આવે છે.

મે-૨૦૨૧ થી જાન્યુઆર-૨૦૨૨ સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં ૨૯૯૧૦, જુનમાં ૧૨૪૯૨૦, જુલાઇમાં ૧૦૯૬૮૦, ઓગસ્ટમાં ૮૨૦૨૦, સપ્ટેમ્બરમાં ૨૨૬૨૦, ઓક્ટોબરમાં ૧૨૨૧૭૫, નવેમ્બરમાં ૧૦૫૩૧૫, ડિસેમ્બરમાં ૮૮૯૫૦ અને જાન્યુઆરીમાં ૧૦૬૪૧૦ યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કૂલ ૭૯૨૦૦૦ યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું.

ટ્રાન્સફોર્મરને શરૂ રાખવા માટે રાત્રે પણ વીજળીની જરૂર પડે છે. જે પ્રતિમાસ ૭૦૦ થી ૯૦૦ યુનિટ વાપરે છે. એટલે તે બાદ કરતા નવ માસમાં કૂલ ૭૮૫૧૦૦ યુનિટ સૌરઊર્જા મળી છે. આ યુનિટને મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવ રૂ. ૬.૭ લેખે ગણવામાં આવે તો રૂ.૪૭,૩૩,૫૫૦નો સીધો ફાયદો નવ માસમાં થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રીના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કૂલ રૂ. ૫૦ લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે.

મધ્ય ગુજરાત વીજ કંપની આ સૌરઊર્જા લઇ વડોદરા મહાનગરપાલિકાને ત્રણ સ્થળે એચટી વીજળી મજરે આપે છે. તેમાં કૂલ ઉત્પાદિત સૌરઊર્જાના ૧૨.૧૮ ટકા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને, ૫૪.૯૫ ટકા રાજીવનગર સુએજ પ્લાન્ટ અને ૩૨.૮૭ ટકા અટલાદરા સુએઝ પ્લાન્ટ વીજળી આપવામાં આવે છે. આ ત્રણેય સ્થળને આ નવ માસ દરમિયાન સુધીમાં આપવામાં આવેલી સૌરઊર્જાના કૂલ યુનિટ અનુક્રમે જોઇએ તો ૮૬૦૬૩, ૩૮૮૨૭૧ અને ૨૩૨૨૫૬ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટમાં ‘આમ કે આમ ઔર ગુટલી ઓ કે ભી દામ’ કહેવત જેવો આ ફાયદો છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો નિકાલ કરાયો

ProudOfGujarat

ઝઘડીયા : ફીચવાડા ગામનાં કોરોનાગ્રસ્ત ઇસમનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

આજથી અડધા ગુજરાતમાં 5 દિવસ સુધી માવઠાની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!