કરજણ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પાસે કરજણ જુનાબજાર ઘાવટ ચોકી પાસે વડોદરા, ભરૂચ અને જુનાબજાર તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા ઊભી કરતાં અડચણરૂપ અનાધિકૃત વાહનો વિરુદ્ધ છેલ્લા છ માસથી અત્યારસુધી કરજણ પોલીસે કરેલી કાર્યવાહી, સ્ટેશન ડાયરી રેકોર્ડ તેમજ લગાવેલ સી.સી.ટી.વી કેમેરાને લગતી તમામ માહિતી સહિતનું આર.ટી.આઈ. હેઠળ પ્રમાણિત નકલો માંગતા પોલીસ બેડામાં સોંપો પડી જવા પામ્યો છે.
કરજણ તાલુકાના સાંસરોદ ગામના અરજદાર દ્વારા કરવામાં આવેલ આર.ટી.આઈ. માં જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટેશન સ્માર્ટ પોલીસ સ્ટેશન હોય પોલીસ સ્ટેશનની પ્રિમાઇસીસમા કેટલા મેગા પીક્સલવાળા કુલ કેટલા સી.સી.ટી.વી. કેમેરા લગાવવમાં આવ્યા છે તેમજ લગાવેલા કેમેરાનું રેકર્ડ (ડેટા) કેટલા મહિના કે સમય સુધી રાખી શકાય તેની માહિતી, કરજણ પોલીસ સ્ટેશનમાં જ્યુડિશિયલ કસ્ટડી રૂમમાં લાઇટની વ્યવસ્થા સહિત કેટલા કેમેરા મુકવામાં આવ્યા છે તેની છેલ્લા ત્રણ માસ રેકર્ડિંગ – સી.ડી. ઈલેક્ટ્રોનિક ડેટા સ્વરૂપે માહિતીની માંગણી કરવામાં આવી છે. તેમજ કરજણ પોલીસ સ્ટેશનની લોખંડની કેબીનો મૂકી ઓફીસ બનાવવામાં આવેલ છે. જે કઈ તારીખે ડી.જી.પી./ડી.એસ.પી. કચેરી વડોદરા દ્વારા પરવાનગી લેવામાં આવેલી તેની આવક નંબર સહિતના પત્રોની પ્રમાણિત નકલો, કરજણ પોલીસ સ્ટેશનના ડેડ સ્ટોક રજીસ્ટરની છેલ્લા વીસ વર્ષની પ્રમાણિત નકલો તેમજ છેલ્લા છ માસથી અત્યારસુધીની સ્ટેશન ડાયરીની પ્રમાણિત નકલો પુરી પાડવામાં આવે તેવી માંગણી કરાઈ છે. પોલીસ તંત્રને કુલ કેટલા વાહનો ફાળવેલા છે તેની લોગબુક તેમજ ફાળવેલા દરેક ફોરવહીલ વાહનોમાં જી.પી.આર.એસ. સિસ્ટમ લગાવેલી છે તે હાલ ચાલુ છે કે બંધ તે તમામ માહિતી ઉપરાંત જુનાબજાર ઘાવટ ચોકડી ચોકી પાસે વડોદરા જવાના તથા ભરૂચ જવાના રસ્તા ઉપર સર્વેલન્સ કેમેરાના ફૂટેજ સહિત જુનાબજાર જવાના રસ્તા ઉપર હાઈ સિક્યુરિટી કેમેરા પાસે ગેરકાયદેસર અનાધિકૃત વાહનો ટ્રાફિક અડચણ ઊભા કરી રહ્યા છે. તેના વિરુદ્ધ છેલ્લા છ માસથી આજદિન સુધી કરજણ પોલીસ સ્ટેશને કરેલી કાર્યવાહી મેમા બુક સહિતની પ્રમાણિત નકલોની માંગણી કરવામાં આવી છે. આમ અરજદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પાસે વિવિધ મુદ્દાઓ સાથેનું આર.ટી.આઈ હેઠળ માહિતી માંગવામાં આવતાં કરજણ પોલીસ બેડામાં સોંપો પડી જવા પામ્યો છે.
યાકુબ પટેલ, કરજણ