વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઈરસ સંક્રમણ સામે પ્રતિરોધાત્મક ઉપાય તરીકે નિયામક આયુષ કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઉકાળા પેકેટ, સંશમની વટી તથા આર્સેનિક આલ્બનું જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘર સારવાર હેઠળના કોરોનાના દર્દીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોષીએ જણાવ્યું કે વડોદરા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે હેતુસર COVID – 19 પ્રતિરોધક ઉકાળા પેકેટનું વિતરણ તથા આર્સેનિક આલ્બ (હોમિયોપેથી ઔષધ) નું ૩૦ જેટલા આરોગ્ય કેન્દ્રો દ્વારા લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદ ઉકાળાના ૯૯૨ પેકેટ, સંશમણી વટીના ૯૯૨ પેકેટ તેમજ હોમીયોપેથીના ૬૮૬૦ ડોઝનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મારફત ગત અઠવાડિયામાં વિતરણ કરવામાં આવ્યું છે. ઉકાળા બનાવવાની પધ્ધતિ અંગેની જાણકારી આયુર્વેદ ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. ઉકાળા પેકેટ તથા સંશમની વટી વિતરણ માટેની દરેક વ્યવસ્થા જે – તે PHC ના મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી છે.
હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બ સબંધિત PHC ને પૂરા પાડવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જે – તે સબંધિત તાલુકા હેલ્થ ઓફિસરના સંકલનમાં રહી તેમને દવાઓ પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.