વડોદરા જિલ્લામાં દિવ્યાંગોના હકના રક્ષણ માટે અને તેમા પણ ખાસ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓમાં ચાર પ્રકારની દિવ્યાંગતા હોય છે. જેવી કે ઓટીઝમ, સેરિબ્રલ પાલ્સી, મેન્ટલ રીટાર્ડેશન અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતા વ્યકતિના કલ્યાણ માટે નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ ના કાયદા હેઠળ જિલ્લા લોકલ લેવલ સમિતિની કલેકટર એ.બી ગોરના અધ્યક્ષસ્થાને રચના કરવામાં આવી છે.
કલેકટર એ.બી.ગોરની અધ્યક્ષતામાં લોકલ લેવલ સમીતીની બેઠક મળી હતી. આ બેઠકમાં વાલીપણા મેળવવા માટે આવેલ અરજીઓ પૈકી ૧૦ અરજીઓ મંજુર કરવામા આવી હતી. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ -૨૮ ગાર્ડીયનશીપના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.
▪️આ કાયદા હેઠળ કોણ અરજી કરી શકે ?
જે વ્યકતિઓ ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે જેવી કે ઓટીઝમ, સેરિબ્રલ પાલ્સી, મેન્ટલ રીટાર્ડેશન ( ઈન્ટેલકચ્યુઅલ ડીસેબીલીટી ) અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતા ( મલ્ટીપલ ડીસેબીલીટી ) વ્યકતિઓના વાલીઓ આ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ માટેના નિર્ણય લેવા માટે કાયદેસર વાલીપણાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
▪️આ માટે માતા-પિતા બાળકનું કાનૂની સંરક્ષણ પણ મેળવવુ શા માટે જરૂરીછે ?
મોટા ભાગનાં મા-બાપ પોતાના બાળકોની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે. તેઓ બાળક ૧૮ વર્ષ વટાવી જાય એ પછી પણ તેની દિવ્યાંગતા સાથે તેની કાળજી અને રક્ષણની જવાબદારી સ્વીકારી લે છે. સેરિબ્રલ પાલ્સી, મેન્ટલ રીટાર્ડેશન, ઓટિઝમ અને બહુવિધ દિવ્યાંગતાવાળી ઘણી વ્યકતિઓને તેમના સમગ્ર જીવન દરમિયાન સક્રિય કાળજી લેવાય તેવી જરૂર પડે છે. આપણા દેશમાં કુટુંબ અને માતા-પિતા કાળજી લેનારા આવા મોટા એકમો છે. તેઓ કાનૂની સંરક્ષક બને તેના કારણોમાં જોઈએ તો ધિરાણ અને વળતર મેળવવા સંરક્ષકપણાની જરૂર પડે, રોકાણોનું વ્યવસ્થાપન કરવા, બાળકના હિતોની સલામતી માટે, માતા – પિતાના મૃત્યુ પછી બાળકનું શું થશે તે માટે જવાબદાર વ્યકતિની નિમણૂક માટે જરૂર પડે છે.
▪️અરજી કઈ રીતે કરવી ?
વાલીપણાની અરજી કરવા માટે ભારત સરકારશ્રીના નેશનલ ટ્રસ્ટ ની વેબસાઈટ www.thenationaltrust.gov.in પર ઓનલાઈન કરી શકાય છે. આ બાબતે વધુ જાણકારી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી નર્મદાભુવન વડોદરાનો સંપર્ક કરી શકાશે. એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.પી ત્રિવેદીએ જણાવ્યું છે.