ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સુલતાનપુરા ગામે અન્યની માલિકીની ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી જમીન ખાલી ન કરનાર ઇસમ સામે જમીન માલિકે જમીનનો કબજો મેળવવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરી હતી.
આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા ખાતે રહેતા સરોજબેન જયંતીભાઇ પટેલે સુલતાનપુરા ગામે ખેતીની જમીન અન્ય ઇસમ પાસેથી વેચાણ લીધી હતી. સદર જમીન વેચાણ લીધા બાદ આ જમીનના વિકાસ માટે જમીન બિનખેતીની કરવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ જમીન ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામના અન્ય ઇસમ ખેડતા હોવાનું જણાયું હતું. જમીન માલિકે જમીનનો કબજો માંગવા છતાં તેઓ જમીન ખાલી કરતા ન હોવાથી જમીન માલિકે ગત તા.૨૫ મી મે ૨૦૨૧ ના રોજ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ જમીનનો કબજો મેળવવા જિલ્લા કલેક્ટર ભરૂચને રજુઆત કરી હતી. દરમિયાન હાલમાં ગત તા.૧૦ મીના રોજ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની મળેલ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ જમીનમાં છેલ્લા પાંચ છ વર્ષથી ગેરકાયદેસર કબજો કરનાર અને જમીન ખાલી કરવાનું કહેતા જમીન માલિકને એટ્રોશીટી એક્ટના કાયદાની ધમકી આપનાર ડાહ્યાભાઈ મથુરભાઇ વસાવા રહે.રાણીપુરા તા.ઝઘડીયાના વિરુધ્ધ પ્રાથમિક દ્રષ્ટિએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોઇ તેમના વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આ બાબતે સરોજબેન પટેલ રહે.ગામ ઝઘડીયાનાએ ડાહ્યાભાઈ મથુરભાઇ વસાવા રહે.ગામ રાણીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ