ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ નજીકથી બાઇક લઇને પસાર થતા સેલંબાના વેપારીને રોકીને ચાર ઇસમોએ માર માર્યો હોવા બાબતની ફરિયાદ લખાવા પામી હતી.
મળતી વિગતો મુજબ નર્મદા જિલ્લાના સેલંબા ખાતે વાસણની દુકાન ધરાવતો ધર્મરાજ સેનીમલાઇ કઉન્ડર નામનો ઇસમ ગત તા. ૧૨ મીના રોજ બાઇક લઇને તેના કાકાના છોકરા સાથે ચોખા લેવા અંકલેશ્વર ગયો હતો. ત્યાંથી તેના પાડોશીની વાનમાં ચોખા મુકીને તે બાઇક લઇને પાછો આવવા નીકળ્યો હતો. દરમિયાન રાતના નવેક વાગ્યાના સમયે વાલિયા નેત્રંગ વચ્ચે આવતા હરીપુરા પાટિયા પાસે બે મોટરસાયકલ પર આવેલ ચાર જેટલા ઇસમોએ તેને રોક્યો હતો. આ લોકોમાંથી પ્રદીરામ અને વલારમોદી નામના ઇસમો ઓળખીતા હતા, જ્યારે અન્ય બે અજાણ્યા હતા. આ લોકો ધર્મરાજને અને તેની સાથેના તેના કાકાના દિકરા સતિષકુમારને કહેતા હતા કે તમોએ પેલા રવિચંદ્રન મતુચામી ઉપર તામિલનાડુમાં કેસ કેમ કર્યો હતો? આ લોકોએ આ બનાવની અમને ખબર નથી, એમ કહેતા આ ચારેય ઇસમોએ ગાળો બોલીને ધીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ધર્મરાજને માથામાં લાકડીનો સપાટો માર્યો હતો. દરમિયાન રોડ પર બીજા વાહનોની અવરજવર થતાં તે લોકો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ આ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવીનેે નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર લીધા બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. ત્યારબાદ આ લોકોને તે ઇસમો દ્વારા અવારનવાર ફોન દ્વારા માર મારવાની ધમકી અપાતી હોઇ, ધર્મરાજે પ્રદીરામ રવિચંદ્રન રહે. તામિલનાડુ તેમજ વલારમોદી પલાનીસામી રહે.તામિલનાડુના તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ગતરોજ ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ