ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માત થતા રહે છે. અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ઉમલ્લા નજીક એક ટ્રક અને શેરડીના ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ નર્મદા જિલ્લાના તરોપા ગામનો રવિન્દ્રભાઇ વસંતલાલ વસાવા નામનો ઇસમ રાજપિપલા ખાતે એક ટ્રકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા.૨૧ મીના રોજ રવિન્દ્ર તેની ટ્રક લઇને ધારીખેડા સુગરથી સાંજના સાડા છ વાગ્યાના અરસામાં નીકળીને ઝઘડીયા તાલુકાના જાંબોઇ ગામે શેરડી ભરવા જતો હતો. તે દરમિયાન ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામના પાટિયા નજીક ઉમલ્લા તરફથી આવતા એક શેરડી ભરેલ ટ્રેકટર સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને ડ્રાઇવર સાઇડે નુકશાન થયું હતું. સદભાગ્યે બન્ને વાહન ચાલકોને કોઇ ઇજા થઇ નહતી. ઉલ્લેખનીય છેકે શેરડી ભરેલ ટ્રેકટરના આગળના વ્હીલ ઉંચા થયેલ હતા, તેમાં ટ્રક અથડાઇ ગઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે ટ્રક ચાલક રવિન્દ્ર વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ