ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ હાલમાં ઉપસરપંચોની ચૂંટણીનો માહોલ છવાયો છે. કુલ ૭૪ ગ્રામ પંચાયતોમાં ઉપ સરપંચની ચૂંટણી પ્રક્રિયામાં ત્રણ દિવસમાં ૬૮ ગ્રામ પંચાયતના ઉપસરપંચો મતદાન દ્વારા તથા બિનહરીફ રીતે ચૂંટાયા છે. જેમાં રાજપારડી બાદ તાલુકાના ગોવાલી ગામે પણ મહિલા ઉમેદવાર શ્વેતાબેન વિનિતભાઇ પટેલની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. પરિવર્તન પેનલના સરપંચ પદના ઉમેદવાર સંજયભાઈ માનસંગભાઇ વસાવાની પેનલને ચૂંટણીમાં ૧૦ બેઠકમાંથી ૧૦ બેઠક પર વિજય મળ્યો હતો. ઉપસરપંચ પદ માટે શ્ર્વેતાબેન વિનિતભાઇ પટેલે ઉમેદવારી નોંધાવતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. આ પ્રસંગે શ્વેતાબેનને ગોવાલી ગામના ચૂંટાયેલા સરપંચ તથા તેમના સાથી સભ્યો તેમજ સમસ્ત ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી. શ્વેતાબેન વિજેતા જાહેર થયા બાદ તેમણે ગ્રામજનોએ જે વિશ્વાસ મૂકી તેમને ચૂંટી કાઢયા છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરી ગામના દરેક નાગરિકની પાયાની જરૂરિયાત, ગામનો વિકાસ કરવાના પ્રયાસો હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ