વડોદરા જિલ્લાના કરજણ નગરમાં શનિવારે સવારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદનું આગમન થયું હતું. જ્યારે તાલુકાના ગામડાઓમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડયા હતા. વહેલી સવારે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવતાં આકાશમાં કાળા વાદળો ધેરાયા બાદ ઠંડા પવનની લહેરખીઓ સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. કમોસમી વરસાદના પગલે નગરજનો પણ અચંબિત થઈ ગયા હતા.
ગત નવેમ્બર માસમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ વરસતા લોકોમાં ગ્લોબલ વોર્મિંગની અસરોની ચર્ચાઓ થઈ રહી છે. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. થોડીવાર વરસાદ વરસ્યા બાદ વરસાદ અટકી ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોમાં ધરતીપુત્રો દ્વારા નુકસાનની ભીતી સેવાઇ રહી છે. તેમજ કમુરતા ઉતરી જતાં ઉત્તરાયણ બાદ લગ્ન અને અન્ય શુભ પ્રસંગોની મોસમ પુરજોશમાં ખીલી રહેલ હોય ઓચિંતા કમોસમી વરસાદના આગમનથી લગ્ન આયોજકો થોડાક સમય માટે મુંઝવણમાં મુકાયા હતાં.
યાકુબ પટેલ, કરજણ