ને.હા.48 પર કરજણ તાલુકાના બામણગામ પાસે આવેલ રંગાઈ નદીના બ્રીજ પર ટ્રક અને કાર પસાર થતી વેળાએ એકબીજા સાથે અડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ટ્રાફિક સમસ્યા સર્જાતા ભરૂચ- વડોદરા ટ્રેક ઉપર છેક માંગલેજ ગામના પાટિયા સુધી વાહનોની લાંબી કતારો જામી હતી.
કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતાં. કહેવાય છે કે બામણગામ પાસે આવેલ રંગાઈ નદીના બંને અપ એન્ડ ડાઉન બ્રીજ ઉપર રોડ બે ટ્રેકવાળો હોય સાંકડો થઈ જતો હોય છે. જેથી છાશવારે બ્રીજ ઉપરથી વહેલા પસાર થવાની લ્હાયમાં વાહનો એકબીજા સાથે અડી જવાના અને તેને લઈને વાહનચાલકો વચ્ચે ચકમક ઝરવાના બનાવો તેમજ દિવસ દરમિયાન અવારનવાર કોઈ પણ કારણો વિના ટ્રાફિક સર્જાવાના બનાવો બનતા વાહન ચાલકોનો સમય અને ઇંધણ બંને વેડફાતા હોવાનું જણવા મળે છે. પરિણામે કાયમી ધોરણે જવાબદાર તંત્ર દ્વારા નિકાલ લાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ