કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓના RTPCR ટેસ્ટ માટે એકત્ર કરાયેલ સેમ્પલનું રાજપીપલામાં જ પરિક્ષણ થાય તથા દર્દીઓને સમયસર ઝડપથી સારવાર મળી રહે તે માટે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં નવી RTPCR લેબની સ્થાપના માટે હાથ ધરાયેલા સતત અને સઘન પ્રયાસોના ફલ સ્વરૂપે જિલ્લાની કોવિડ હોસ્પિટલની RTPCR લેબ ઉપરાંત હવે ગરૂડેશ્વર અને દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટેની RTPCR લેબની મંજૂરી મળતા આજે ગરૂડેશ્વર સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલની મંજૂર થયેલી RTPCR લેબનો ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ કરવાની સાથે કાર્યરત કરાઇ છે, જ્યારે દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માટેની RTPCR લેબ પણ તા.૨૧ મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજથી કાર્યાન્વિત થશે. આમ, જિલ્લામાં હાલની રાજપીપલા મુખ્ય મથક કોવિડ હોસ્પિટલની RTPCR લેબ ઉપરાંત આ વધુ બે લેબ કાર્યરત થતાં, નર્મદા જિલ્લાવાસીઓને હવે ઘર આંગણે જ કોવિડ ટેસ્ટ પરિક્ષણ સુવિધાનો લાભ મળી રહેશે અને લેબ પરિક્ષણ માટે હવે સેમ્પલ જિલ્લા બહાર મોકલવા નહીં પડે.
નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે આજે ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે RTPCR લેબના પ્રારંભ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર વખતે નર્મદા જિલ્લામાં એકપણ RTPCR લેબ ન હોવાથી જે તે સમયે સેમ્પલ પરિક્ષણ માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે મોકલતા હતાં. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજપીપલા ખાતે કોવિડ હોસ્પિટલ ખાતે સરકાર તરફથી મંજૂર કરાયેલી સૌપ્રથમ RTPCR લેબને કાર્યરત કરાઇ હતી, જેમાં અત્યારસુધી ૧.૨૯ લાખથી પણ વધુ RTPCR ટેસ્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજી લહેરની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરકાર તરફથી વધુ બે RTPCR લેબની અપાયેલી મંજૂરી પૈકી આજે ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંપૂર્ણપણે RTPCR લેબ તૈયાર કરી ICMR ના પ્રોટોકોલ મુજબ QC (ક્વોલીટી કંન્ટ્રોલ) મેળવીને તેનું રજીસ્ટ્રેશન કરવાની સાથે આજથી આ લેબ કાર્યરત કરાયેલ છે. આમ, જિલ્લામાં બીજી લેબ પણ કાર્યાન્વિત થયેલ છે, જ્યારે દેડીયાપાડા ખાતેની લેબ પણ કાર્યરત થઇ જશે, જેથી જિલ્લામાં હવે RTPCR લેબની સંખ્યા ત્રણ જેટલી થવાથી નર્મદા જિલ્લામાં કોરોના RTPCR ટેસ્ટના રિપોર્ટ તાત્કાલિક અને જે તે દિવસે મળી શકે તેવી જિલ્લામાં વ્યવસ્થા ગોઠવી દીધી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના ડૉ. રવિ રાઠોડે જણાવ્યું હતું કે, ગરૂડેશ્વર તાલુકામાં આજે RTPCR લેબ ખૂલ્લી મૂકીને ૯૦ જેટલા સેમ્પલ રન કરવાનું અમોએ શરૂ કરી દીધુ છે અને તેની પ્રોસેસચાલુ થઇ ગઇ છે.
સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, આજે ગરૂડેશ્વરની આ RTPCR લેબ શરૂ થઇ ગયેલ છે અને દરરોજ આશરે ૪૦૦ થી ૫૦૦ સેમ્પલનું અહીં ટેસ્ટીંગ થશે. આજે ૯૦ સેમ્પલથી તેની શરૂઆત કરાયેલ છે. ભવિષ્યમાં સ્થાનિક પ્રજાને જે તે દિવસે જ ટેસ્ટ રિપોર્ટ મળી જવાથી ખૂબ જ ફાયદો થશે. અગાઉ આવા ટેસ્ટ રિપોર્ટ માટે ચાર-ચાર દિવસ લાગતા હતા તેની જગ્યાએ હવે એકજ દિવસમાં જે તે દિવસે ટેસ્ટીંગ રિપોર્ટ મળી જવાથી સ્થાનિક પ્રજાને ભવિષ્યમાં તેનો ખૂબ જ ફાયદો થશે
જ્યોતિ જગતાપ, રાજપીપલા