ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ચોકડી નજીક પ્રોજેક્ટ નાંખી સિવિલ ફેબ્રિકેશનનું કામ કરતા બે ઇસમોએ કામ કરાવીને બીલની ચુકવણી ન કરતા ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. આ અંગે મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના પુનેના દિપકભાઇ કુલકર્ણી તેમજ ભરૂચના શોયેબ મુલ્લા નામના બે ઇસમો ઝઘડીયા તાલુકાની મુલદ ચોકડી નજીકની એક બંધ હોટલના કમ્પાઉન્ડમાં પ્રોજેક્ટ નાંખીને ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં સિવિલ ફેબ્રિકેશન અને પેઇન્ટિંગનું કામ કરતા હતા. તે દરમિયાન આ ઇસમોએ અંકલેશ્વરના સંતોષ અચ્છુતાનંદ મિશ્રા નામના ઇસમને પેઇન્ટિંગ કામનો વર્ક ઓર્ડર આપીને કામ કરાવ્યું હતું. આ કામના બીલની રકમ રુ.૨૧૨૧૯૮૫ જેટલી થતાં સંતોષ મિશ્રાએ આ લોકોને બીલ આપીને રકમની માંગણી કરી હતી. પરંતુ આ લોકો બીલની રકમની ચુકવણી કરવામાં ખોટા ખોટા બહાના બતાવીને સમય બગાડતા હતા. ઉપરાંત બીલની બાકી રકમની માંગણી કરાય તો ગાળો બોલીને મારી નાંખવાની ધમકી આપતા હતા. જેથી આને લઇને સંતોષ મિશ્રાએ ઉપરોક્ત બન્ને ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ