રાજપીપળા. આરીફ જી કુરેશી
રાજપીપળા, આગામી તા. ૨૯ મી સપ્ટેમ્બર થી ૮ મી ઓક્ટોબર દરમિયાન રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમીટી હસ્તકના હરસિધ્ધિ માતાજીના મંદિરે થનારી નવરાત્રિ મહોત્સવની ઉજવણીના આગોતરા આયોજન અંગે રાજપીપળા કલેક્ટરાલય ખાતે ગઇકાલે નિવાસી અધિક કલેક્ટર એચ. કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મેળા દરમિયાનની જુદી-જુદી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સર્વગ્રાહી અને સુચારૂ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને આ સંદર્ભે સંબંધિત સંસ્થા-વિભાગોને જરૂરી કાર્યવાહી ધરવાની સુચનાઓ પણ આપવામાં આવી છે.
પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.એન. ચૌધરી, રાજપીપળા રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ, નાંદોદના ઇન્ચાર્જ મામલતદાર વિરલભાઇ રાવલ, રાજપીલા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડયા, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર ગજેન્દ્રસિંહ જાડેજા,મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તથા સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર એચ. કે. વ્યાસે ઉજવણીને અનુલક્ષીને જરૂરી સાફ-સફાઇ અને દવાના છંટકાવ દ્વારા સ્વચ્છતા જાળવણી, પીવાના શુધ્ધદ પાણી માટે કલોરીનેશન, તબીબી ટુકડીઓ સાથેના આરોગ્ય વિભાગના સ્ટોલ્સ, મેળામાં પ્રસાદ-સાહિત્ય માટે સ્ટોલ્સ, ખાણી-પીણીના સ્ટોલ્સમાં આરોગ્યની જાળવણી, વાજબી ભાવે શુધ્ધ પ્રસાદની વિતરણ વ્યવસ્થા, મંદિર પરિસરના સી.સી. ટી.વી કેમેરાનું મોનિટરીંગ, ચોક્કસ સમયગાળા માટે વાહનોના જરૂરી ડાયવર્ઝન સહિતનું ટ્રાફિક નિયમન, પાર્કીંગ વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં ભક્તો માટે જરૂરી એસ.ટી. સુવિધા, ચકડોળ વ્યવસ્થા, સ્વયંસેવકોની વ્યવસ્થા સહિત મેળામાં વિવિધ સ્ટોલ્સની વ્યવસ્થા ઉપરાંત આ સ્ટોલ્સ દ્વારા પ્લાસ્ટીકની થેલીઓ વગેરે ઉપયોગમાં ન લેવાય તેની વિશેષ કાળજી અને તકેદારી રાખવા અંગે પણ જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના અમલ સંદર્ભે સંબંધિતોને સૂચના અપાઇ હતી.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોના ઘસારા અને ભીડને અનુલક્ષીને મંદિર આસપાસના નજીકના વિસ્તારમાં ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે રીતે પાર્કીગ વ્ય્વસ્થાસ ગોઠવવા પણ નિવાસી અધિક કલેક્ટર એચ. કે. વ્યાસે પોલીસ વિભાગને સૂચના આપી હતી. આરોગ્ય વિભાગના પેરા મેડીકલ સ્ટાફ સહિતનો સ્ટોલ, પોલીસ કંટ્રોલ રૂમ, ફાયર બ્રિગેડ સેવા, એમ્બ્યુલન્સ સેવા વગેરે બાબતે પણ ચર્ચા-વિચારણા કરી સંબંધિતોને જરૂરી સુચના અપાઇ હતી.
રાજપીપળા નગરપાલિકા દ્વારા સરદાર ટાઉન હોલ પાસેથી પેટ્રોલપંપ સુધીના મુખ્ય રસ્તાઓને આવરી લઇ મહત્તમ રોશની દ્વારા નગરને શણગારવા ઉપરાંત મંદિરની અંદર અને બહારના ભાગે પણ જરૂરી રોશનીની વ્યવસ્થા ગોઠવવામાં અંગે આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.