શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ
પંચમહાલ રાજુ સોલંકી
જિલ્લાની જીવાદોરી સમાન પાનમહાઇલેવલ કેનાલની આજુબાજુ આવેલા ગ્રામીણ વિસ્તારના ખુલ્લા રસ્તાઓની આસપાસ ઝાડી-ઝાંખરા ઊગી નીકળવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ કેનાલની આસપાસ રેલીંગ નાખવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઊઠી છે. ભૂતકાળમાં આ કેનાલમાં પડી જવાને કારણે મૃત્યુના બનાવ બન્યા છે. આ પાનમ કેનાલ પર એક રસ્તો પસાર થાય છે. તે રસ્તાની આસપાસ પણ રેલીંગ નથી. જો અહીં વાહનચાલક કાબૂ ગુમાવે તો અકસ્માત થઇ શકે છે.
પંચમહાલ જિલ્લા શહેરા તાલુકામાં જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ આવેલો છે. સાથે સાથે ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી રહે તે માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા સુજલામ સુફલામ યોજનાના એક ભાગરૂપે પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો હતો. પાનમ ડેમનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે આ કેનાલ એક સાડા ત્રણ કિમી લાંબી ટનલમાંથી પસાર કરવામાં આવી છે. જે સદનપુર અને લાભી ગામ વચ્ચે પથરાયેલી છે. અને આ એશિયાની સૌથી લાંબી ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેનાલ દ્વારા વડોદરા જિલ્લાના સાવલી, પંચમહાલ જિલ્લાના શહેરા, કાલોલ, ગોધરા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સૌથી વધુ ઉપરાંત ગામોમાં આવેલી ૩૬ હજાર હેક્ટર જેટલી જમીનને સિંચાઈ આપવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જેનો લાભ ખેડૂતો લઈ રહ્યા છે.
જિલ્લાની પાનમ કેનાલની સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે છે. જે આશીર્વાદ સમાન છે. પરંતુ આ કેનાલની આસપાસ જે રસ્તા પસાર થાય છે ત્યારે તેમાં રેલિંગ ના હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. શહેરા તાલુકાના ખટકપુર અને લાભી ગામની સીમ આવેલી છે જે પર્વતીય અને પથરાળ વિસ્તાર છે. પાનમ હાઇલેવલ કેનાલની ટનલ લાભી ગામની સીમમાં આવેલી છે અને તેની પરથી રસ્તો પસાર થાય છે. આ રસ્તાની આસપાસ રેલિંગ નથી. જેથી અકસ્માત સર્જાય શકે છે. આ જ પરિસ્થિતિ અને ગામના નાના કમ્બોપા અને ઘોડા ફળિયાની છે. આ બે ફળિયાની વચ્ચેથી જ પાનમ કેનાલ બાજુમાંથી જ રસ્તો પસાર થાય છે અને આ રસ્તાનો ઉપયોગ સ્થાનિક રહીશો અને શાળાના બાળકો અવરજવર માટે કરતા હોય છે. અહીંના સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે અહીં જવાબદાર તંત્ર દ્વારા રેલીગ બનાવવામાં આવે જેથી કોઈ વ્યકિતના કેનાલમાં પડવાની દુર્ઘટના બને નહિ. ભૂતકાળમાં સ્થાનિક રહીશોના પડી જવાથી મોત થવાના બનાવો પણ બન્યા છે. સાથે સાથે પશુઓ પણ તેનો ભોગ બન્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે જવાબદાર તંત્ર શું પગલાં લે છે.!?