યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આમાં રશિયાએ અત્યાર સુધી યૂક્રેનમાં ભારે વિનાશ કર્યો છે. ઘણા શહેરો નાશ પામ્યા છે. મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. આ યુદ્ધને લઈને પશ્ચિમી દેશો સતત રશિયાની ટીકા કરી રહ્યા છે. આ સાથે જ અમેરિકાએ ફરી એકવાર રશિયા પર નિશાન સાધ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને રશિયા પર યૂક્રેનમાં યુદ્ધ દ્વારા “ઇરાદાપૂર્વકની ક્રૂરતા” આચરવાનો આરોપ લગાવ્યો હતો. એમ પણ કહ્યું કે મોસ્કો જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
ઓસ્ટીને સિમી વેલી કેલિફોર્નિયામાં રીગન નેશનલ ડિફેન્સ ફોરમની બેઠકમાં જણાવ્યું હતું કે રશિયાએ યૂક્રેન પર વારંવાર હુમલો કર્યો છે. બાળકો રશિયન હુમલામાં મૃત્યુ પામ્યા છે. શાળાઓ નાશ પામી છે. હોસ્પિટલો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું કે રશિયા જાણીજોઈને યૂક્રેનના નાગરિકોને નિર્દયતાથી નિશાન બનાવી રહ્યું છે.
અગાઉ, નાટો જૂથના વડા અને મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે રશિયા-યૂક્રેન યુદ્ધ પર કહ્યું હતું કે અમે પીછેહઠ કરવાના નથી. તેમણે કહ્યું કે આ યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાનની શક્યતા વધારવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે યૂક્રેનને મદદ કરતા રહેવું. જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે નાટો યૂક્રેનને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.
નાટો સેક્રેટરી જનરલે કહ્યું કે રશિયા યૂક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલો કરી રહ્યું છે. આવા સમયે, જેમ જેમ શિયાળો નજીક આવશે, યૂક્રેનને વધુ સંસાધનોની જરૂર પડશે.