માંગરોળના માંડણમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો
-વાંકલ વનવિભાગે દીપડાને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યુ, કલાકોની જહેમત બાદ બહાર કાઢ્યો
-દીપડાને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવાશે, બાદ જંગલમાં મુક્ત કરાશે
વાંકલ: માંગરોળ ના માંડણ ગામમાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં નીકળેલો દીપડો એકાએક કૂવામાં પડ્યો હતો. માંડણ ગામના હોળી ચકલા ફળિયામાં રહેતા અંબુભાઈ બાવાના ખેડૂતના કૂવામાં ખાબક્યો હતો.ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ટોળેટોળું થઈ ગયું હતું. આ મામલે વનવિભાગને જાણ કરતાં કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરતાં માંડ બહાર કાઢવામાં આવ્યો હતો.
જંગલ વિસ્તારથી ઘેરાયેલા માંગરોળ તાલુકામાં દીપડા દેખાવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. ત્યારે માંડણની આસપાસના વિસ્તારમાં પણ દીપડા નજરે પડે છે. સોમવારે રાત્રે એક દીપડો શિકારની શોધમાં ખેતરમાં ફરી રહ્યો હતો. દરમિયાન અંધકારમાં કૂવામાં ખાબક્યો હતો. આ ઘટનામાં કંઈક પડ્યાનો અવાજ આવતાં કેટલાક લોકો સ્થળ પર દોડી ગયા હતા. એ વેળા ટોર્ચ મારી જોતાં કૂવામાં દીપડો પડ્યો હોવાનું જણાયું હતું. આ વાત ગામમાં ફેલાતાં લોકો ટોળેટોળાં વળી ગયા હતા. અને વનવિભાગને જાણ કરતાં વનકર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જેમણે કૂવામાં બચવા માટે ફાંફાં મારી રહેલા દીપડાને બચાવવા માટે પાંજરું મૂકી રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. અંતે ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. આ દીપડાને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ જંગલમાં મુક્ત કરવામાં આવશે.