રાજસ્થાનના ભરતપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવા બદલ ભાજપના પૂર્વ લોકસભા સાંસદ કૃષ્ણેન્દ્ર કૌર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ પર પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાનો આરોપ છે. આટલું જ નહીં સરકારી કામમાં પણ અવરોધ ઊભો કર્યો હતો. જે બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
વાસ્તવમાં પૂર્વ સાંસદ કૃષ્ણેન્દ્ર કૌર રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કૃષ્ણેન્દ્ર કૌર પર આરોપ છે કે તેમણે સાંજે 7 વાગ્યાની આસપાસ અખાડ તિરાહે ખાતે કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કર્યું હતું અને આ દરમિયાન તેને થપ્પડ પણ મારી હતી. કોન્સ્ટેબલ દ્વારા પોલીસ સ્ટેશનમાં પૂર્વ ભાજપના સાંસદ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
સહાયક પોલીસ અધિક્ષક અનિલ મીણાએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં આરએસીના પોલીસ કોન્સ્ટેબલ ગજરાજે એફઆઈઆર નોંધી છે. મદદનીશ પોલીસ અધિક્ષક અનિલ મીણાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તપાસ શરૂ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, ફરિયાદ નોંધાવનાર કોન્સ્ટેબલ ગજરાજ સિંહ ભરતપુરની RACની 6ઠ્ઠી બટાલિયનમાં તૈનાત છે. ગજરાજ સિંહે કહ્યું કે તેઓ અખાડ તિરાહે ખાતે ચાલી રહેલી નાકાબંધી પર ફરજ પર હતા, ત્યારે ભાજપના નેતાએ તેમની કાર રસ્તાની વચ્ચે પાર્ક કરી હતી. આનો વિરોધ કરતાં તેમણે અભદ્ર વર્તન કર્યું હતું. ઘટના સમયે કોન્સ્ટેબલ ગજરાજ સિંહ સાથે હાજર રહેલા હેડ કોન્સ્ટેબલ હકીમ સિંહે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેમને વાહન હટાવવાનું કહેવામાં આવ્યું ત્યારે ભાજપના નેતાએ કોન્સ્ટેબલ સાથે મારપીટ કરી અને ગેરવર્તન કર્યું.